વડા પ્રધાનના નામધારી કર્મચારી લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ ઘોડાસર ચાર રસ્તા પાસેથી એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે મોડી રાતે રજિસ્ટાર કચેરીના મની લોન્ડરિંગ ડિપાર્ટમેન્ટ ક્લાસ ત્રણ કર્મચારીને ૧૬,૫૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેતાં મની રજિસ્ટાર ડિપાર્ટમેન્ટમાં સનસનાટી મચી ગઇ છે. ફરિયાદીને મની લોન્ડરિંગનું લાઇસન્સ કાઢી આપવાના બાબતે અધિકારીએ લાંચની માગણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલડી વિસ્તારમાં આવેલી રજિસ્ટારની ઓફિસમાં ફરજ બજાવતા કો ઓપરેટિવ ઓફિસર નરેન્દ્ર મોદી (રહે બી/૧૪ કૃષ્ણાવિલા સોસાયટી માંગલ્ય સોસાયટી નજીક ઘોડાસર) એ મની લોન્ડરિંગનું લાઇસન્સ કાઢી આપવાના બાબતે ફરિયાદી પાસેથી ૧૬.૫૦૦ની લાંચ માગી હતી.

જેમાં મની લેન્ડિંગ લાઇસન્સની ગવર્નમેન્ટ ફી પાંચ હજાર રૂપિયા હતી ત્યારે ૧૧,૫૦૦રૂપિયા લાંચ પેટેના હતા. ફરિયાદીને અધિકારી ઉપર શંકા જતાં તેમને 21મી જૂનના રોજ એસીબીમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે ગઇકાલે મોડી રાતે નરેન્દ્ર મોદીના ઘર પાસે લાંચ લેવા માટેનું છટકું ગોઠવ્યું હતું.

ફરિયાદીએ નરેન્દ્ર મોદીને લાંચ પેટેના ૧૬.૫૦૦ રૂપિયા લેવા માટે ઘોડાસર ચાર રસ્તા પાસે ફોન કરીને બોલાવ્યા હતા. જ્યા નરેન્દ્ર મોદી લાંચ લેવા માટે ફરિયાદી પાસે ગયા હતા. જેવી પાઉડર લગાવેલી ૧૬,૫૦૦ રૂપિયાની નોટો નરેન્દ્ર મોદીએ લીધી કે તરત જ એસીબીની ટીમે નરેન્દ્ર મોદીની રંગે હાથ ધરપકડ કરી લીધી હતી. એસીબીની ટીમે ક્લાસ ત્રણ કર્મચારી નરેન્દ્ર મોદી વિરુદ્ધમાં લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરી છે.

You might also like