મતદાન માટે મોદીની અપીલઃ વિપક્ષી નેતાઓ-મુખ્યપ્રધાનો અને દિગ્ગજ હસ્તીઓને ટેગ કરી

(એજન્સી) નવી દિલ્હી: હવે લોકસભા ચૂંટણી માટે તારીખ જાહેર થવાની સાથે જ રણશિંગુ ફુંકાઇ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ મતદારોને વોટિંગ કરવાની અપીલ કરતો એક બ્લોગ પણ લખ્યો છે એટલું જ નહીં, પીએમ મોદીએ તેની સાથેે વિરોધ પક્ષના તમામ મોટા નેતાઓની સાથે રાજ્યના સીએમ, ખેલાડીઓ, અભિનેતાઓ અને ઉદ્યોગજગતની ખ્યાતનામ હસ્તીઓને પોતાના ટ્વિટમાં ટેગ કરીને મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવાની અપીલ કરી છે.

પીએમએ પોતાના કટ્ટર વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી, મમતા બેનરજી, માયાવતી, તેજસ્વી યાદવ સહિત કેટલાય અન્ય કદાવર નેતાઓને ટેગ કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રેણીબદ્ધ ટ્વિટમાં તમામ નેતાઓને ટેગ કરીને મતદારોને જાગૃત કરવા અને વોટ માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં એક બ્લોગ પણ લખ્યો છે અને તેને પોતાના ટ્વિટર હેન્ડલ સાથે શેર કર્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે હું રાહુલ ગાંધી, મમતા બેનરજી, શરદ પવાર, માયાવતી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને એમ.કે. સ્તા‌લીનને અપીલ કરું છું કે લોકસભા ચૂંટણીમાં લોકોને મતદાન માટે જાગૃત કરે. મતદાન માટે મોટી સંખ્યામાં આવવું એ આપણા લોકતાંત્રિક માળખાની મજબૂતી માટે ઘણું સારું રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય એક ટ્વિટમાં આ પ્રકારનો સંદેશો આપતાં ચંદ્રાબાબુ, એચ.ડી. કુમારસ્વામી, નવીન પટનાયક અને વાયએસઆર જગમોહન રેડ્ડીને પણ ટેગ કર્યા છે. એક અન્ય ટ્વિટમાં તેમણે નીતીશકુમાર, સિક્કિમના સીએમ પવન ચામ‌િલંગ અને રામવિલાસ પાસવાનને ટેગ કરીને લોકોને મતદાન માટે જાગૃત કરવા અપીલ છે.

મોદીએ માત્ર રાજકીય હસ્તીઓને જ નહીં, પરંતુ ઉદ્યોગ, રમતગમત, સામાજિક ક્ષેત્રની હસ્તીઓને પણ આ પ્રકારની અપીલ કરી છે. તેમણે ઉદ્યોગપતિ રતન ટાટા, આનંદ મહિન્દ્રા અને આશિષ ચૌહાણને પણ અપીલ કરી છે. નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ સત્યાર્થી, પૂર્વ આઇપીએસ અને વર્તમાન રાજ્યપાલ કિરણ બેદી, દ‌િક્ષણના મશહૂર ફિલ્મ અભિનેતા મોહનલાલ અને સુદર્શન પટનાયકને ટેગ કરીને અપીલ કરી છે. રમતગમત જગતની દિગ્ગજ હસ્તી કિદામ્બી શ્રીકાંત, ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, સુશીલકુમાર, પીવી સિંધુને પણ મતદાન માટે જાગૃત કરીને ભૂમિકા ભજવવા અપીલ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દિગ્ગજ આધ્યાત્મિક ગુરુઓને પણ લોકતંત્રના મહાપર્વમાં પોતાની ભૂમિકા ભજવવા અપીલ કરી છે. વડા પ્રધાને સદ્ગુરુ, શ્રી શ્રી રવિશંકર અને રામદેવને ટેગ કરતાં લખ્યું છે કે આપના જેવા આધ્યાત્મિક વ્યકિતત્વ પોતાનાં શબ્દ અને કૃત્ય દ્વારા અનેકને પ્રભાવિત કરે છે. હું આપને અનુરોધ કરું છું કે આપ લોકોને મતદાન માટે જાગૃત કરો.

You might also like