PM મોદી આજે મમતાના ગઢમાં, જલપાઇગુડીમાં કેટલાક પ્રોજેકટનું ઉદ્ઘાટન

(એજન્સી) કોલકાતા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પર જઇ રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનાે આ મહત્ત્વપૂર્ણ પ્રવાસ બની રહેશે. તેઓ પહેલાં છત્તીસગઢના રાજગઢના કોન્ડાતરાઇમાં જાહેરસભાને સંબોધશે. ત્યાર બાદ તેઓ મમતા બેનરજીના ગઢ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં જશે. અહીં તેઓ નેશનલ હાઇવે ૩૧ અને ૪૧ કિ.મી. લાંબા કોલકાતા-સલસલાબાડી હાઇવેને ફોર લેન કરવાનું શિલારોપણ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જલપાઇગુડીમાં હાઇકોર્ટની નવી સર્કિટ બેન્ચનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ મમતાના ગઢમાં એક જાહેરસભાને પણ ગજવશે. મમતાના રાજ્યમાં મોદીની એક જ સપ્તાહમાં આ ત્રીજી રેલી હતી. આ અગાઉ તેમણે ર ફેબ્રુઆરીના રોજ ઠાકુરનગર અને દુર્ગાપુરમાં સભા કરી હતી.

મુખ્યપ્રધાન મમતા બેનરજી શારદા ચીટ કૌભાંડમાં સીબીઆઇની કાર્યવાહી સામે ધરણાં પર બેઠાં બાદ મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ આ મંચ પરથી રાજ્યની તૃણમૂલ સરકાર પર આકરા પ્રહારો કરશે. મોદી આગામી પાંચ દિવસમાં ૧૦ રાજ્યનો પ્રવાસ કરનાર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મમતા બેનરજીના આક્ષેપોનો જવાબ આપવા માટે મંચનો ઉપયોગ કરશે અને ચૂંટણી પહેલાં રાજયના ભાજપના કાર્યકરોમાં જોશ ભરશે.

You might also like