વડા પ્રધાન મોદી પૂરગ્રસ્ત આસામની મુલાકાતેઃ કાયમી ઉકેલ માટે ચર્ચા કરશે

ગુવાહાટી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા ગુવાહાટી પહોંચી ગયા છે. આસામના મુખ્યપ્રધાનના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ આ વિસ્તારમાં દર વર્ષે આવતા ઘોડાપુરનો કાયમી ઉકેલ શોધવાનો છે. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદી આ મુદ્દે બે બેઠકમાં વાતચીત કરશે અને સાંજ સુધીમાં દિલ્હી પર જવા રવાના થશે. અત્યાર સુધીમાં આસામમાં પૂરના કારણે ૮૦થી વધુ લોકોનાં મોત થયાં છે. આ અગાઉ પીએમ મોદીએ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.

આસામના પ્રધાન હેમંત બિશ્વ શર્માએ જણાવ્યું હતું કે મોદી ખાસ કરીને પૂર્વોત્તરનાં રાજ્યો આસામ, અરુણાચલ, નાગાલેન્ડ અને મણિપુરમાં પૂરગ્રસ્તો માટેની રાહતની કામગીરીની સમીક્ષા કરશે. આસામના પ્રવાસ પૂર્વે મોદીએ વરસાદ-પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવાર માટે રૂ. બે-બે લાખની વળતર સહાય જારી કરી હતી. તે જ રીતે ગંભીર રીતે ઘાયલ થયેલા પૂરગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આસામમાં વરસાદ અને પૂરને કારણે ૨૯ જિલ્લાના ૨૫ લાખ લોકો પ્રભાવિત થયા છે. આસામના પ્રધાનો અને અધિકારીઓની મુલાકાત બાદ મોદી ભાજપ અને તેના સાથી પક્ષો આસામ ગણ પરિષદ અને બોડોલેન્ડ પિપલ્સ ફ્રન્ટના ધારાસભ્યોની બેઠકને પણ સંબોધિત કરશે.

You might also like