‘સ્ટાર્ટ અપ’ માટે ૧૦,૦૦૦ કરોડનું ભંડોળ : મોદીએ ભારતને બેઠા થવા કરી હાકલ

નવી દિલ્હી : નવો વેપાર ધંધો શરૂ કરનારા લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આજે વિજ્ઞાન ભવનમાં આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે આને માટે રૂ.૧૦ હજાર કરોડનું ભંડોળ ઉભું કરવામાં આવશે. તેમાંથી દર વર્ર્ષે ૨૫૦૦ કરોડ રૂપિયાનું ફંડ સ્ટાર્ટ અપ્સને આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે તેઓ સ્ટાર્ટ અપ અભિયાનને પ્રાથમિકતા આપશે. એક્શન પ્લાન વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે સ્ટાર્ટ અપથી થનારા નફા પર ત્રણ વર્ષ સુધી કોઈ ટેક્સ ઉઘરાવવામાં આવશે નહીં અને કોઈ અધિકારી ઈન્સપેક્શન માટે આવશે નહીં.

તેમણે કહ્યું કે લોકો પાસે ઘણાં આઈડિયા છે અને તક મળે તો તેઓ કમાલ કરીને બતાવી શકે તેમ છે. વડાપ્રધાને કહ્યું કે સ્ટાર્ટ અપથી ઉબેર કુબેર બની ગયા. સ્ટાર્ટ અપની ઉપયોગિતા જોખમ લેવાથી નક્કી થાય છે. આજે લોકો ટેકનિક સાથે સંકળાઈને તરત જ પોતાની વાત પહોંચાડી શકે છે. એપથી ઘણો ફાયદો થાય છે.મેં પોતે નરેન્દ્ર મોદી એપનો લાભ જોયો છે. બધાને શરૂઆતની જરૂર હોય છે. તેમણે ઉમેર્યું કે જે લોકો કશું કરવા માગે છે તેઓ નાણાંને મહત્વ આપતા નથી, જોખમ લેવું જરૂરી છે.

મોદીએ કહ્યું કે મેક ઈન ઈન્ડિયા મેક ફોર ઈન્ડિયા પણ છે. અમે બધાને એક સરખી સુવિધા આપવા માંગીએ છીએ. અમારે ઈ-કોમર્સના ક્ષેત્રમાં બે ડગલાં આગળ વધવું છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયા દ્વારા અમારો પ્રયત્ન દેશના યુવાનોને જોબ સીકરથી જોબ ક્રિએટર બનાવવાનો છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ હાલના સમયની માંગ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુનિયાભરના વૈજ્ઞાનિકો આજે સાઈબર સિક્યોરિટીને લઈને ચિંતિત છે.

આપણે માનવતા માટે કશુંક નક્કર કરવાનું છે. તેમણે ઉમેર્યું કે કેટલાક લોકો વિનાશ કરવામાં વ્યસ્ત છે. પરંતુ આપણે તો આપણું કામ કરવાનું છે, તેમને અટકાવવાના છે. તેમણે ઉમેર્યું કે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાન સામાન્ય લોકો માટે છે. જે કશુંક કરે છે તેને જ હવે શું થવાનું છે તે દેખાય છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયા એકશન પ્લાનની મુખ્ય બાબતોમાં સેલ્ફ સર્ટિફિકેટ આધારિત કોમ્પ્લાયન્સની વ્યવસ્થા, સ્ટાર્ટ અપ માટે વેબ પોર્ટલ અને મોબાઈલ એપની સુવિધા, નાના ફોર્મ દ્વારા સરળ રજિસ્ટ્રેશન, સ્ટાર્ટ અપ માટે એક્ઝિટની પણ સગવડ, પેટન્ટ ફીમાં ૮૦ ટકાનો ઘટાડો, ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી માટે કાનૂની મદદ, સ્ટાર્ટ અપ માટે દેશના મુખ્ય શહેરોમાં સલાહ માટે નિઃશુલ્ક વ્યવસ્થા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જાહેર અને સરકારી ખરીદીમાં સ્ટાર્ટ અપને છૂટછાટ મળશે. વધુમાં સ્ટાર્ટ અપ માટે રૂ.૧૦ હજાર કરોડનું ભંડોળ ઉભું કરવામાં આવશે. તેમાંથી દર વર્ષે ૨૫૦૦ કરોડ રૂપિયાનું ફંડ સ્ટાર્ટ અપ્સને આપવામાં આવશે. ચાર વર્ષ સુધી દર વરસે રૂ.૫૦૦ કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ બનાવવામાં આવશે. શેર માર્કેટ વેલ્યૂની ઉપરના રોકાણમાં ટેક્સમાં છૂટ અપાશે. પોતાની મિલકત વેચીને સ્ટાર્ટ અપ શરૂ કરનારને કેપિટલ ગેન ટેક્સમાં છૂટ અપાશે.

સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત અટલ ઈનોવેશન મિશનની શરૂઆત કરવામાં આવશે. તે હેઠળ સ્ટાર્ટ અપને સ્પર્ધાત્મક બનાવાશે. આંત્રપ્રિનિયોરનું નેટવર્ક બનાવાશે. સ્ટાર્ટ અપને સીડ કેપિટલની સાતે અન્ય ઘણી સુવિધા અપાશે. ૩૫ નવા ઈનક્યુબેશન સેન્ટર ખોલવામાં આવશે. આ ઉપરાંત બાળકોમાં સંશોધન પ્રત્યે રસ વધારવા માટે ઈનોવેશન કોર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. પાંચ લાખ સ્કૂલોના ૧૦ લાખ બાળકોને પસંદ કરવામાં આવશે જે ઈનોવેશનને આગળ વધારી શકે.

નાણા પ્રધાન અરુણ જેટલીએ આજે સવારે અહીં વિજ્ઞાન ભવનમાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા ઝુંબેશની શરુઆત કરી દીધી. જેટલીએ ઉધ્ઘાટન ભાષણ આપ્યું. સ્ટાર્ટ અપ મૂવમેંટ હેઠળ જમીની કક્ષાનાં ઉદ્યમો તથા યુવા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકતાં જેટલીએ કહ્યું કે સ્ટાર્ટ અપ ઇન્ડિયા દેશમાંથી લાયસન્સ રાજનો ખાત્મો બોલાવી દેશે.અરુણ જેટલીએ પોતાનાં ઉધ્ઘાટન પ્રવચનમાં કહ્યું કે આજનો દિવસ મહત્વનો છે. સ્ટાર્ટ ઇન્ડિયાથી મોટા ફેરફારો આવશે.

ભારતે ૧૯૯૧થી ચાલી આવતું લાયસન્સ રાજ ખતમ કરવા માટે મોટુ પગલુ ભર્યું છે. સમગ્ર વિશ્વના અર્થતંત્રોમાં મંદી આવી છે. આમ છતાં ભારત ઝધડપથી આગળ વધી રહ્યું છે. સરકાર પાસે નોકરીઓ પેદા કરવાની લઘુત્ત્।મ ક્ષમતા છે. આઈટી સેકટરનું પોષણ થઈ રહ્યું છે, કારણ કે સરકારનો તેમાં દખલ નથી. નાણા પ્રધાને કહ્યું કે સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. સરકાર અને ભારતીયરિઝર્વ બૅંક (આરબીઆઈ) આગામી કેટલાક મહિનાઓમાં બૅંકોની ઋણ પ્રદાન કરવાની ક્ષમતામાં વધારો કરશે.

સ્ટાર્ટ અપ અનુકૂળ કરવેરા સંબંધી પહેલોની જાહેરાત આગામી બજેટમાં કરાશે. સ્ટર્ટ અપ ઇન્ડિયા ઝુંબેશ માટે જે સિસ્ટમ તૈયાર કરાઈ રહ્યું છે, તે લાયસન્સ રાજથી એકદમ જુદું હશે.નોંધનીય છે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ આ પહેલનું સ્વાગત કરી ચુકયાં છે. તેમણે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં ઇન્ડિયન સિલિકૉન વૅલી એન્ટરપ્રિન્યોર્સ ટેકનોલૉજિસ્ટ્સ અને વેંચર કૅપિટલિસ્ટ્સ સાથેની મુલાકાત દરમિયાન સ્વીકાર્યું કે ભારત સ્ટાર્ટ અપ ઇન્ડિયા ઝુંબેશ શરૂ કરવામાં મોડુ પડ્યું. તેમણે કહ્યું કે આ વિલંબ માટે તેઓ પણ જવાબદાર છે, કારણ કે તેઓ પણ લાંબા સમય સુધી સરકારમાં રહ્યાં છે.

દરમિયાન સ્ટાર્ટ અપ ઇન્ડિયાનાં ઉધ્ઘાટન સમારંભમમાં સૉફટબૅંકનાં મુખ્ય કાર્યકારી માસાયોશી સોને કહ્યું કે તેઓ ભારતીય કંપનીઓમાં બે અબજ ડૉલરનું રોકાણ કરી ચુકયાં છે અને હવે રોકાણ વધારીને ૧૦ અબજ ડૉલર કરાશે. તેમણે કહ્યું, ‘ભારત આર્થિક ઝડપના હિસાબે આગામી ૧૦ વર્ષમાં ચીન કરતાં આગળ રહેશે. ૨૧મી સદી ભારતની છે. દરેક બજાર જુદો છે. મને સાચે જ લાગે છે કે આ ભારત માટે બહુ મોટી શરુઆત છે.

વડાપ્રધાનનાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની હાઈલાઈટ્સ…
* સેલ્ફ સર્ટિફિકેશન આધારિત કોમ્પ્લાયન્સ હશે.
* ત્રણ વર્ષ સુધી કોઈ ઈન્સ્પેકશન નથી થાય.
* સ્ટાર્ટઅપ ઈન્ડિયા હબ સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેકટ બનાવાશે.
* સ્ટાર્ટઅપ માટે ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ દ્વારા નાનું ઈફોર્મ રજૂ કરાશે જેનાથી રજીસ્ટ્રેશનની વ્યવસ્થા ખુબ જ સરળ કરાશે.
* ઈન્ટલેકચ્યુલ પ્રોપર્ટી રાઈટનું રક્ષણ આપવામાં આવશે.
* દેશના અગ્રણી શહેરોમાં પેટન્ટ માટે કન્સલટેશનની મફત સુવિધા કરાશે.
* પેટન્ટ એપ્લિકેશન ફીમાં ૮૦ ટકાની છૂટ અપાશે.
* સ્ટાર્ટઅપ માટે ખુબ જ ઝડપથી એકિઝટ પૉલીસી બનાવાશે.
* ચાર વર્ષમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું ફંડ બનાવાશે, જેમાં દર વર્ષે ૨૫૦૦ કરોડ રૂપિયાનું ફંડ સ્ટાર્ટઅપ્સને અપાશે.
* ચાર વર્ષ સુધી ૫૦૦ કરોડ રૂપિયા દર વર્ષ માટે ક્રેડિટ ગેરન્ટી ફંડ બનાવાશે.
* પોતાના પ્રોપર્ટી વેચીને સ્ટાર્ટઅપ શરૂ કરનારને કેપિટલ ગેઈન ટેકસમાંથી છૂટ અપાશે.
* ત્રણ વર્ષ સુધી સ્ટાર્ટઅપ્સને આવકવેરામાંથી છૂટ અપાશે.
* અટલ ઈનોવેશન મિશનની શરૂઆત કરાશે, તેના દ્વારા સ્ટાર્ટઅપને કમ્પટેટિવ બનાવાશે.
* શેરબજારમાં વેલ્યુથી ઉપર રોકાણ પર ટેકસમાં છૂટ અપાશે.
* ઈનોવેશન પર સ્ટાર્ટઅપને રાષ્ટ્રીય પુરસ્કારઆપવામાં આવશે.
* ૩૫ નવા ઈન્કયુબેશન સેન્ટર ખોલવામાં આવશે.
* બાળકોમાં ઈનોવેશન વધારવા માટે પણ કાર્યક્રમ શરૂ કરાશે, તેના માટે ઈનોવેશન કોર પ્રોગ્રામ શરૂ કરાશે.
* ૫ લાખ સ્કુલોના ૧૦ લાખ બાળકોને ઓળખીને જે ઈનોવેશનને આગળ વધારી શકે તે માટે પ્રયત્ન કરાશે.

You might also like