જય સોમનાથથી લઇ જય જગન્નાથ સુધીની સફર, PM મોદી ઓડિશામાં કરશે શંખનાદ

ન્યૂ દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીનાં બ્યુગલ ફૂંકાવાની તૈયારીમાં છે. ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ ચૂંટણી જંગમાં ઉતરવા માટે પોતાની તલવારની ધાર કાઢી લીધી છે. હવે ઈન્તજાર છે માત્ર શંખનાદનો. વાત કરીએ છીએ દેશની સૌથી મોટી પાર્ટી ભાજપ અને તેનાં સૌથી મોટા નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની.

પ્રધાનમંત્રી મોદીને તમે કદાચ 2019ની ચૂંટણીમાં ઓડિશામાં જય જગન્નાથનો નાદ કરતા અને પોતાનાં માટે મત માંગતા જોશો. કારણ કે મોદી આ વખતની ચૂંટણી એક અલગ જ શહેરમાંથી લડી શકે છે. હવે જોવા મળશે જય સોમનાથથી શરૂ કરેલી જય કાશીનાથ સુધી પહોંચેલી અને હવે જય જગન્નાથ સુધી પહોંચવા જઈ રહેલી સફર.

હવે આપને કદાચ જય કાશીનાથની જગ્યાએ જય જગન્નાથનો નાદ કરતા અને મા ગંગાની જગ્યાએ કૃષ્ણા નદીનાં ગુણગાન ગાતા પ્રધાનમંત્રી મોદી જોવાં મળશે. કારણ કે 2019ની લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદી ઓડિશાનાં પુરીથી લડવાની તૈયારીમાં છે.

2014માં મોદીએ વડોદરા અને બનારસ બંને જગ્યાએ જીત મેળવી હતી પરંતુ બાદમાં વડોદરા બેઠક તેમણે છોડી દીધી હતી અને બનારસનાં સાંસદ જ બની રહ્યાં. હવે એવી વાત સામે આવી રહી છે કે મોદી બનારસની સાથે સાથે પુરીથી પણ ચૂંટણી જંગમાં ઉતરશે. જો કે આ વાતને હજુ સત્તાવાર સમર્થન મળ્યું નથી.

દેશમાં લોકસભાની કુલ 545 બેઠક છે અને તેમાં ગુજરાતની 26 બેઠક પણ છે. તેમ છતાં પ્રધાનમંત્રી મોદી કેમ પુરીથી જ ચૂંટણી જંગમાં ઉતરવા માગે છે? તો તમને જણાવી દઈએ કે 2019માં લોકસભા ચૂંટણીની સાથે સાથે ઓડિશામાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. તેથી ભાજપને લાગી રહ્યું છે કે જો પ્રધાનમંત્રી મોદી ઓડિશામાંથી ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થાય.

ઓડિશામાં નવીન પટનાયકનાં બીજુ જનતા દળ BJD અને ભાજપ આમને સામને છે. તો અમે આપને એ પણ જણાવી દઈએ કે રાજ્યસભાનાં ઉપસભાપતિની ચૂંટણીમાં BJDએ સરકારનો સાથ આપ્યો હતો અને BJDનાં સાંસદોએ NDAનાં હરિવંશ તરફી મત આપ્યાં હતાં.

જો કે તેનાં માટે નીતિશ કુમારે નવીન પટનાયકને વાત કરી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી અલગ જ હોય છે. ભાજપ પોતાની તમામ તાકાત ઓડિશામાં વાપરવાની છે. કારણ કે ત્રિપુરા બાદ ભાજપને લાગી રહ્યું છે કે ઓડિશામાં પણ તેઓ જીતી શકે છે.

વાત ઓડિશાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકની. તો પટનાયક વર્ષ 2000થી રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. ઓડિશામાં તેમની એક અલગ જ ઓળખ છે. નવીન પટનાયકને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમનાં પિતા બીઝુ પટનાયક પણ ઓડિશાનાં મુખ્યમંત્રી હતાં અને રાજ્યમાં તેમણે પોતાની એક મજબૂત પક્કડ બનાવી છે.

વાત પુરીથી જ પ્રધાનમંત્રી મોદીને લડવાની કરીએ તો બનારસ બાદ પુરીથી ચૂંટણી લડવાને કારણે ભાજપનો હિન્દુત્વનો એજન્ડા પણ જળવાઈ રહે. હવે બનારસમાં હર હર મહાદેવ બાદ પુરીમાં જય જગન્નાથનો વારો છે.

બનારસ પણ મંદિરોનું શહેર છે અને પુરી પણ મંદિરોનું શહેર છે. તો પોલિટિકલ પંડિતોનાં મતે જો મોદી પુરીમાં લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહે તો ઓડિશામાં ભાજપની સરકાર બનતા કોઈ નહીં રોકી શકે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જય સોમનાથ, જય કાશીનાથ બાદ જય જગન્નાથનો નાદ કેટલો સફળ થાય છે.

You might also like