આયુષ્માન યોજનાઃ મિશન-2019ને સફળ બનાવવાનું PM મોદીનું ટ્રમ્પકાર્ડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આયુષ્માન ભારત યોજના દ્વારા એક નવો અધ્યાય લખવા કૃતસંકલ્પિત છે. તેમણે નક્કી કર્યું છે કે વિપક્ષો ભલે ગમે એટલા સંગઠિત થાય અને તેમની સામે ચૂંટણીમાં ગમે તેવા કાવાદાવા કરે, પરંતુ તેઓ ઐતિહાસિક અને મહત્ત્વાકાંક્ષી આયુષ્માન યોજના દ્વારા દેશના કરોડો નાગરિકો અને મતદારોને આકર્ષીને ર૦૧૯નો ચૂંટણીજંગ જીતી જવા મક્કમ છે.

આયુષ્માન યોજના એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન-ર૦૧૯ માટે ટ્રમ્પકાર્ડ એટલે કે હુકમનું પાનું છે. વડા પ્રધાન મોદી અને ભાજપ આયુષ્માનના સહારે પોતાની સરકારનું આયુષ્ય વધુ પાંચ વર્ષ લંબાવવા કૃતનિશ્ચય છે અને આયુષ્માનની નૌકા દ્વારા ર૦૧૯ની ચૂંટણીની વૈતરણી પાર કરવાનો તખતો મોટા પાયે ગોઠવી દીધો છે અને આ માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ આરંભી દેવાઇ છે.

આ તૈયારીના અનુસંધાનમાં આયુષ્માન ભારત સ્કીમ માટે સરકાર ૧૧ કરોડ ફેમિલીકાર્ડ છાપશે અને તેને લોકો સુધી હાથોહાથ પહોંચાડશે. સરકાર દેશના ગામડે-ગામડે આયુષ્માન પખવાડિયાનું આયોજન કરશે. આ દરમિયાન કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

સરકાર દિલ્હીમાં આ માટે ર૪x૭ કોલ સેન્ટર ચલાવશે અને આ હેલ્પલાઇન ઉપર મેડિકલ ઇન્સ્યોરન્સ સ્કીમ સાથે સંકળાયેલા લોકોની ફરિયાદો સાંભળવામાં આવશે અને પ્રશ્નોના જવાબો પણ આપવામાં આવશે.

આયુષ્માન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ (એબી-એનએચપીએમ)ના સીઇઓ ઇન્દુ ભૂષણે જણાવ્યું હતું કે સરકારની યોજના આયુષ્માન ભારત માટે તમામ તૈયારીઓ ૧પ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લેવાની છે, જોકે તેની લોન્ચ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

ફેમિલીકાર્ડ પર આ યોજનાના પાત્ર સભ્યોનાં નામ હશે. કાર્ડની સાથે દરેક વ્યકિતના નામજોગ એક પત્ર આપવામાં આવશે, જેમાં આયુષ્માન ભારત યોજનાની વિશિષ્ટતાઓ દર્શાવવામાં આવશે.

ઇન્દુ ભૂષણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ૮૦ ટકા લાભાર્થી અને શહેરી વિસ્તારમાં ૬૦ ટકા લાભાર્થીઓની પસંદગી અત્યાર સુધીમાં આ કાર્ડ માટે કરવામાં આવી છે. એક નેશનલ ટોલ ફ્રી નંબરથી આયુષ્માન ભારત યોજનાના ર૪ કલાક ચાલનારા કોલ સેન્ટરનો સંપર્ક કરી શકાશે. આ સેન્ટરથી નાગરિકોને ઇ-મેઇલ અને ઓનલાઇન ચેટનો જવાબ આપવામાં આવશે. બંને પ્રોજેકટ માટે સર્વિસ પ્રોવાઇડર્સની પસંદગી આગામી મહિના સુધીમાં કરી લેવાશે.

ઇન્દુ ભૂષણે જણાવ્યું હતું કે આ કાર્ડ આઇડેન્ટિફિકેશન પ્રોસેેસને સરળ બનાવવાનો એક રસ્તો છે, પરંતુ ઓળખને લગતા બીજા દસ્તાવેજોની જરૂર સંબંધિત વ્યકિતની જાણકારીને પ્રમાણિત કરવા માટે આવશ્યક બનશે. કોઇ પણ વ્યકિત આયુષ્માન ભારત માટે પાત્ર છે કે નહીં તેની અટકળોનો અમે અંત લાવવા માગીએ છીએ. પરિવારને ખબર હોવી જોઇએ કે તેઓ આયુષ્માન ભારત માટે પાત્ર છે અને તેમની પાસે એ પણ જાણકારી હોવી જોઇએ કે તેમને આ સેવાઓ ક્યાંથી મળશે.

બીડ ડોક્યુમેન્ટ અનુસાર એવો અંદાજ છે કે રોજ પાંચ લાખ પત્ર જારી કરવાની ગતિએ બે વર્ષમાં ૧૦.૭૪ કરોડ ઇન્ફર્મેશન લેટર અને ફેમિલીકાર્ડ છાપવા અને વહેંચવાં પડશે. તેમણે જણાવ્યું હતું કે લેટર છાપવામાં બે વર્ષ નહીં લાગે. પાત્ર પરિવારો પાસે લેટર નહીં પહોંચવા પર તેમને આ સેવાઓ માટે ગેરલાયક જાહેર નહીં કરવામાં આવે.

વડા પ્રધાન મોદીએ હવે આયુષ્માન યોજનાને પોતાની ટ્રમ્પ યોજના બનાવી હોય, પરંતુ તેમણે તેના અમલમાં ખાસ તકેદારી અને સતર્કતા રાખવી પડશે. આયુષ્માન યોજનાનો ગેરલાભ લેવા માટે અત્યારથી જ લોકો કારસો રચવા લાગ્યા છે અને કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા છે. આયુષ્માન યોજનાનો લાભ લેવા કરોડપતિ લોકો પણ ગરીબ બની ગયા છે.

તાજેતરમાં નોઇડામાં પણ જ્યારે આરોગ્ય વિભાગે આયુષ્માન યોજનામાં સામેલ થનારા લોકોની યાદી ચકાસી તો તેમાં લકઝરી કારમાં ફરતા અને આલિશાન બંગલામાં રહેતા કરોડપતિ લોકોનાં નામ પણ સામે આવતાં વહીવટીતંત્ર ચોંકી ઊઠ્યું હતું.

જો આવું થશે તો કોંગ્રેસ સહિતના વિપક્ષોને મોદી વિરુુદ્ધ એક હાથવગુ શસ્ત્ર મળી જશે કે મોદીની આયુષ્માન યોજના ગરીબો માટે નહીં, પરંતુ કરોડપતિઓ માટે છે. આથી મોદી સરકારે જો આયુષ્માન યોજનાને ખરા અર્થમાં હુકમનું પાનું પુરવાર કરવી હોય તો સો ગળણે ગાળીને પાણી પીવું પડશે.

You might also like