કેવડિયા ખાતે ડીજી કોન્ફરન્સમાં PM મોદીનું સંબોધન: સુરક્ષા સંબંધી ચર્ચા

અમદાવાદ: નર્મદાના કેવડિયા ખાતે સાધુબેટ પર ચાલી રહેલી વાર્ષિક ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ સવારે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. તેમણે પહેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ફ્લાવર ઓફ વેલીની મુલાકાત લીધી હતી.

મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે યોજાયેલી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પરેડ નિહાળી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ અને ગૃહરાજ્ય પ્રધાન હંસરાજ અાહીર પણ હાજર રહ્યા હતા રાજનાથસિંહ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગઈ કાલે આવી પહોંચ્યા છે. વડા પ્રધાને પરેડ બાદ ડીજી કોન્ફરન્સમાં ભાગ લીધો હતો .

રર ડિસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ કેવ‌િડયા કોલીમાં આવેલ ટેન્ટ સિટીમાં યોજવામાં આવી છે. ગઈ કાલે રાજનાથસિંહ અને હંસરાજ આહીરની અધ્યક્ષતામાં તેનો પ્રારંભ થયો છે. આજે આ કોન્ફરન્સનો બીજો દિવસ છે, જેમાં પીએમ મોદી સંબોધન કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકાય તે અંગે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. કોન્ફરન્સમાં ડીજી, એડીજીપી અને એજીપી સહિતની હાજરી છે. સુરક્ષાવ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં દેશની આંતરિક સુરક્ષા, સીમા સુરક્ષા, આતંકવાદ, નક્સલવાદ અને હાલમાં વધી રહેલા સાયબર એટેક પર ચર્ચા કરવામાં આવશે. દેશની સુરક્ષા માટેના પડકારો માટે મહત્ત્વની ચર્ચા બાદ એક્શન પ્લાન પણ બનાવીને અમલમાં મૂકવા માટે દિશાસૂચન કરવામાં આવશે. આવતી કાલે બીજા દિવસે શનિવારે પણ તેઓ સવારે ૯ વાગ્યાથી સાંજે ૩.૩૦ સુધી ત્યાં હાજરી આપશે.

ત્યારબાદ બપોરે કેવડિયાથી રવાના થશે. અને ૪.પ૦ કલાકે ગાંધીનગરના અડાલજ ખાતે ત્રિમંદિર પહોંચશે અને ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી સમાપન પ્રવચન આપ્યા બાદ ૬.પપ કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે અને ૮.૩૦ વાગ્યે દિલ્હી ઉતરાણ કરશે.

આગામી ફેબ્રુઆરી માસમાં આ જ સ્થળે ઓલ ઇન્ડિયા ચીફ સેક્રેટરી કોન્ફરન્સ અને ઓલ ઇન્ડિયા ગવર્નર કોન્ફરન્સ યોજાશે. પીએમ આજે ટેન્ટ સિટીના બદલે કેવડિયા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી બે દિવસીય ભાજપ મહિલા મોરચાના આંતરરાષ્ટ્રીય અધિવેશનનો અડાલજ પાસે ત્રિમંદિર ખાતે પ્રારંભ થયો છે, જેમાં ભાજપના મહિલા નેતાઓ, પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની સભ્ય બહેનો, મહિલા ધારાસભ્યો, મહિલા સાંસદ, મહિલા મેયર સહિતની હજારો કાર્યકર બહેનો હાજરી આપી રહી છે.

નવા ભારતના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા, આગામી લોકસભા ચૂંટણીમાં મહિલાઓની ભૂમિકા કેન્દ્રસ્થાને, ચૂંટણીલક્ષી તૈયારીઓ અને આયોજન સહિતના વિષય પણ તેમાં ચર્ચાશે. વડા પ્રધાન મોદી ભાજપની મહિલાઓ-બહેનોને બહુ ઉપયોગી માર્ગદર્શન આપવા આ અધિવેશનમાં આવતી કાલે ખાસ હાજરી આપશે.

You might also like