PM મોદીના એક દિવસના ઉપવાસ ઢોંગ માત્રઃ કોંગ્રેસ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં સમાપ્ત થયેલા સંસદના બજેટસત્રમાં કાર્યવાહી અવરોધીને વિપક્ષ દ્વારા સંસદની કાર્યવાહી ચાલવા નહીં દેવાના વિરોધમાં ૧૨ એપ્રિલે ભાજપના સાંસદ સાથે દિવસભરના પ્રતીક ઉપવાસ કરશે. એમની સાથે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ એ જ દિવસે કર્ણાટકના હુબલી ખાતે ધરણાં કરશે.

પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા એક દિવસના ઉપવાસ કરવાની જાહેરાત સામે કોંગ્રેસે ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે પીએમ મોદીના એક દિવસીય ઉપવાસ એ પ્રકારનો દંભ છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપસિંહ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે ભાજપના વડપણ હેઠળ કેન્દ્ર સરકારને લોકસભામાં સંપૂર્ણ બહુમતી હોવા છતાં સંસદની કાર્યવાહી નહીં થવા બદલ ભાજપ સરકાર જવાબદાર છે.

તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાને યુવાનો, દલિતો અને સમાજના અન્ય વર્ગની માફી માગવી જોઈએ કે જેમને તેમની સરકાર દ્વારા નીચા જોવા જેવું થયું છે. તેમણે જણાવ્યું હતું કે મોદી સરકાર દ્વારા ઉપવાસ એ એક ઢોંગ અને દંભ છે.

ભાજપે રાષ્ટ્રની માફી માગવી જોઈએ અને ૨૫૦ કલાકથી વધુ સમય માટે સંસદને અવરોધવા બદલ ઉપવાસ કરવા જોઈએ. લોકસભામાં એક બાજુ ભાજપની બહુમતી છે, પરંતુ માત્ર એક ટકા જ કામગીરી થઈ હતી, જ્યારે રાજ્યસભામાં છ ટકા કામગીરી થઈ હતી.

You might also like