મતદાન માટે પીએમ મોદીની અપીલ: પોલિંગ બૂથ પર મચાવો ‘ટોટલ ધમાલ’

(એજન્સી) નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જાણીતી હસ્તીઓને ફરી એક વખત અપીલ કરી છે કે તેઓ મતદાન માટે લોકોને પ્રેરિત કરે. પીએમ મોદીએ આ માટે #VoteKar અભિયાન શરૂ કર્યું છે. વડા પ્રધાન મોદીએ ફક્ત ૩૦ મિનિટના સમયગાળામાં ૧૬ ‌િટ્વટ કરીને ૪૦ જેટલી હસ્તીઓ-સંસ્થાનને ટેગ કર્યાં છે.

પીએમ મોદીએ તેમના પહેલા ‌િટ્વટમાં લખ્યું હતું કે, “મારા સાથી ભારતીયો સમય આવી ગયો છે કે આપણે નારો આપીએ #VoteKar, આગામી લોકસભા ચૂંટણીમાં આપ અને આપનો પરિવાર, દોસ્તો, વિક્રમી સંખ્યામાં આવો, આપનું આવું કરવું દેશના ભવિષ્ય પર સકારાત્મક અસર પાડશે.”

ત્યારબાદ વડા પ્રધાને અભિનેતા અનુપમ ખેર, કબીર બેદી અને ડાયરેક્ટર શેખર કપૂરને ટેગ કરીને લખ્યું હતું કે તે બધાંએ વિશ્વમંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. પીએમ મોદીએ તેમને અપીલ કરી છે કે તેઓ તેમના સાથી ભારતીયોને જણાવે કે આગામી ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા આવે.

અભિનેતા ઋત્વિક રોશન અને માધવનને પણ પીએમ મોદીએ આવી જ અપીલ કરતાં જણાવ્યું હતું કે તેઓ લોકોને પ્રોત્સાહિત કરીને ભારતીય લોકતંત્રને મજબૂત બનાવે.  મોદીએ અભિનેતા અનિલ કપૂર, અજય દેવગણ અને માધુરી દીક્ષિતને ટેગ કરીને જણાવ્યું હતું કે બોક્સ ઓફિસ પર ટોટલ ધમાલ મચાવ્યા બાદ હવે પોલિંગ બૂથ પર ટોટલ ધમાલ મચાવવાનો સમય છે. પીએમે જણાવ્યું કે #VoteKar અભિયાનને સપોર્ટ કરીને તમે ભારતના લોકતંત્રને મજબૂત બનાવશો.

વડા પ્રધાને આજતક ચેનલનાં એન્કર શ્વેતા સિંહ અને ચિત્રા ત્રિપાઠીને ટેગ કરીને લખ્યું હતું કે જો આ લોકો પોતાનો સમય અને ઊર્જા એ અભિયાનના પ્રચાર-પ્રસારમાં લગાવશે તો તે શાનદાર રહેશે.  પીએમ મોદીએ થોડા સમય પહેલાં જ દેશની જાણીતી હસ્તીઓને આ પ્રકારની જ અપીલ કરી હતી.

આ વખતે મોદીએ ‌િટ્વટમાં દિગ્દર્શક મધુર ભંડારકર, વિવેક અગ્નિહોત્રી અને અભિનેતા રાજકુમાર રાવને પણ ટેગ કર્યાં છે. આ ઉપરાંત તેમણે ક્રિકેટર શિખર ધવન, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર ઉપરાંત એથ્લીટ દીપા કરમાકર અને સાક્ષી મલિકને પણ પોતાના ‌િટ્વટમાં ટેગ કર્યાં છે અને તેમને અપીલ કરી છે કે તેઓ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રેરિત કરે.

You might also like