નોટબંધીનો વિરોધ કરનારાઓને તૈયારીનો સમય જ ના મળ્યોઃ મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નોટબંધીનો વિરોધ કરી રહેલા લોકો સામે ફરી એક વાર નિશાન તાક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોકો એવું કહી રહ્યા છે કે સરકારે નોટબંધીને લઈને પૂરતી તૈયારી કરી નથી, વાસ્તવમાં નોટબંધીનો વિરોધ કરતા લોકોને દુઃખ એ વાતનું છે કે સરકારે તેમને કોઈ તૈયારી કરવાની તક જ આપી નથી. આજે બંધારણદિન નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવું જણાવ્યું હતું.

પીએમ મોદીએ પાર્લામેન્ટ એનેક્સ બિલ્ડિંગમાં “ભારત કા સંવિધાન” પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ભારતમાં ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવામાં આવે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશ આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટી લડત લડી રહ્યો છે. સરકારના આ નિર્ણયની ટીકા થઈ રહી છે અને કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો રદ કરવાના નિર્ણય માટે પૂરતી  તૈયારી કરી ન હતી, વાસ્તવમાં આ લોકોને દુઃખ એ વાતનું છે કે સરકારે કોઈને તૈયાર કરવાનો સમય જ આપ્યો નથી. જો ૭૨ કલાક પણ તૈયારી માટે મળી ગયા હોત તો આ લોકો એવું કહેત કે શું નિર્ણય લીધો છે, મોદી જૈસા કોઈ નહીં.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાનાં નાણાં પર અધિકાર છે, પરંતુ એ જરૂરી નથી કે દરેક વખતે નોટ હાથમાં જ હોવી જોઈએ. મોબાઈલથી પણ રૂપિયા જમા કરાવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે દેશનું ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહેલા લોકો પાસેથી એવી અપેક્ષા છે કે તેઓ મુશ્કેલી દુર કરવામાં મદદ કરે.

મોદીએ જણાવ્યું હતું કે હું દેશવાસીઓને જણાવું છું કે જે દેશ પાસે યુવાનોની તાકાત છે, જ્યાં ૧૦૦ કરોડથી વધુ મોબાઈલધારકો છે, જ્યાં ટેકનોલોજી છે ત્યાં લોકોને તેનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવે. જેટલી સરળતાથી વોટસએપનો મેસેજ ફોરવર્ડ થાય છે તેટલી જ સરળતાથી મોબાઈલ દ્વારા શોપિંગ થઈ શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની સકારાત્મક અસરો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે કેટલીક નગરપાલિકાના મેં આંકડા મંગાવ્યા છે. જ્યાં અગાઉ રૂપિયા ૩,૦૦૦થી ૩૫૦૦ કરોડનો ટેક્સ આવતો હતો ત્યાં ૮ નવેમ્બર બાદ રૂ. ૧૩,૦૦૦ કરોડનો ટેક્સ જમા થયો છે.
visit : www.sambhaavnews.com

You might also like