દિવંગત કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ પર, PM મોદીએ આપી શ્રધ્ધાંજલિ

ચેન્નઇ: તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન અને ડીએમકેના વડા દિવંગત એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ પર જ કરવામાં આવશે. મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારના વિરોધને ફગાવી દઇને કરુણાનિધિની દફનવિધિ મરીના બીચ પર કરવા મંજૂરી આપી દીધી છે. દરમિયાન કરુણાનિધિને મરીના બીચ પર દફનાવવાના વિવાદને લઇ સુરક્ષાનાં પગલાંરૂપે મરીના બીચ પર રેપીડ એક્શન ફોર્સ તહેનાત કરવામાં આવી હતી.

દરમિયાન દ‌િક્ષણની રાજનીતિના દિગ્ગજ દિવંગત કરુણાનિધિના નિધનના સમાચાર મળતાં જ દેશના તમામ નેતાઓ અને રાજકીય હસ્તીઓને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કરુણાનિધિનાં અંતિમ દર્શન કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ચેન્નઇ પહોંચી ગયા હતા અને દિવંગતના નશ્વરદેહનાં દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કોંગ્રેેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત કેટલીયે હસ્તીઓએ ટ્વિટ કરીને કરુણાનિધિને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસને પણ કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી.

ડીએમકેએ દિવંગત કરુણાનિધિના મરીના બીચ પર અંતિમ સંસ્કાર કરવા માટે એક અરજી દાખલ કરી હતી. તામિલનાડુ સરકારે આ અરજીનો વિરોધ કરતાં પ્રોટોકોલની દલીલ કરી હતી. રાજ્ય સરકારના વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યપ્રધાનના અંતિમ સંસ્કાર પ્રોટોકોલની દૃષ્ટિએ મરીના બીચ પર કરી શકાય નહીં, પરંતુ હાઇકોર્ટે રાજ્ય સરકારની આ દલીલ માન્ય રાખી નહીં. આ કેસમાં તામિલનાડુ સરકારે એક જવાબી એફિડેવિટ પણ દાખલ કરી હતી.

સરકારે મદ્રાસ હાઇકોર્ટને જણાવ્યું હતું કે દિવંગત કરુણાનિધિએ પોતાના મુખ્યપ્રધાનપદના સમય દરમિયાન પ્રોટોકોલ મેન્યુઅલ માન્ય રાખીને પૂર્વ મુખ્યપ્રધાન જાનકી રામચંદ્રન માટે મરીના બીચ પર જમીન ફાળવવાનો ઇનકાર કર્યો હતો. સરકારે એવી દલીલ રજૂ કરી હતી કે પૂર્વ મુખ્યપ્રધાનોના મરીના બીચ પર અંતિમ સંસ્કાર નહીં કરવાની પરંપરા રહી છે.

રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે ડીએમકે આ મામલાનેે લઇ રાજકીય એજન્ડા સાધવાની કોશિશ કરી રહી છે. ત્યાર બાદ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસે અરજદારના વકીલને કેસ પાછો ખેંચવા જણાવ્યું હતું. હાઇકોર્ટે અરજદારના વકીલને મરીના બીચ પર દિવંગત કરુણાનિધિની સમાધિ બનાવવાના મામલે એક એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું.

હાઇકોર્ટે અરજદારને એફિડેવિટમાં એવું દર્શાવવા જણાવ્યું હતું કે મરીના બીચ પર પૂર્વ મુખ્યપ્રધાન કરુણાનિધિની સમાધિથી કોઇ મુશ્કેલી નહીં પડે. ત્યાર બાદ વકીલે કોર્ટ સમક્ષ મેમોરેન્ડમ રજૂ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ.જી. રામચંદ્રન અને તેમના નિકટનાં જયલલિતાને પણ મરીના બીચ પર જ દફનાવવામાં આવ્યાં હતાં અને ત્યાં જ તેમનાં સ્મારક બનાવાયાં છે.

You might also like