કેટલાક પક્ષ લોલીપોપ આપી કર્ણાટક ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યાં છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટક ભાજપના જનપ્રતિનિધિ, વિધાનસભા ચૂંટણીના દરેક ભાજપના ઉમેદવારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ‘નમો એપ’ દ્વારા જીતનો મંત્ર આપ્યો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરસથી કહ્યું કે કેટલાક પક્ષ લોલીપોપ આપી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલા રાજકીય પક્ષો વિકાસના મુદ્દે રાજકારણ કરતા નહોતા, પરંતુ જાતિ-પંથ-ધર્મના આધારે રાજકારણ કરતાં હતા. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો એક જાતિને લઇને ચૂંટણી પહેલા લોલીપોપ આપે છે અને ચૂંટણીમાં તેનો ઉપયોગ કરે છે.

ચૂંટણીની જગ્યા બદલાઇ જાય છે અને આવી જ રીતે નવા ગ્રુપને લોલીપોપ આપે છે. પીએમ મોદીએ કહ્યું ભારતની રાજકીય સંસ્કૃતિને કોંગ્રેસ કલ્ચરમાંથી મુક્ત કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના ઉમેદવારને કહ્યું કે આપણે માત્ર વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની છે.

તમારે આ સમયે વધારે કાળજી રાખવાની છે કારણ કે બીજા રાજકીય પક્ષ ભાજપ વિરુધ્ધ ખોટો પ્રચાર કરી રહ્યું છે. આપણે તેના ખોટા પ્રચાર સામે પણ લડવાનું છે અને વિકાસની સાચી લડાઇ પણ લડવાની છે. આજે કોંગ્રેસના કારણે રાજકારણની ખોટી છબી બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વર્ષમાં કર્ણાટકને કરેલી મદદ અંગેની જાણકારી આપી હતી.

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પક્ષના દરેક ઉમેદવાર, પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો. ઉલ્લેખનીય છે કે કર્ણાટકની 224 વિધાનસભાની બેઠક માટે 12 મેના રોજ ચૂંટણી યોજાશે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી ઉપર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી મેથી કર્ણાટકમાં ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરશે.

મિશન કર્ણાટકના ભાગરૂપે સવારે કર્ણાટક ભાજપના તમામ જનપ્રતિનિધીઓ, વિધાનસભા ચૂંટણીના તમામ ઉમેદવારો, પદાધિકારીઓ અને કાર્યકર્તા સાથે પીએમ મોદી એપ દ્વારા સંવાદ કર્યો . કર્ણાટકમાં ભાજપ સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને સત્તા પરથી હટાવવા માટે પૂરી તાકાત લગાવી રહી છે.

ચૂંટણી પહેલાંના સર્વેક્ષણમાં રાજ્યમાં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. તો ભાજપ આશા સેવી રહ્યું છે કે, મતદાન પહેલાં પ્રચાર અભિયાનના છેલ્લાં દિવસોમાં પીએમ મોદીના જબરદસ્ત ચૂંટણી અભિયાનથી પલડું તેમના પક્ષમાં નમી શકે છે.

You might also like