વારાણસીમાં પીએમ મોદીનો મેગા રોડ શો: નીતીશ-ઉદ્ધવ સહિતના દિગ્ગજોની હાજરી

વારાણસી બેઠક માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ર૬મીએ ફોર્મ ભરશે તે પહેલાં આજે મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ)માં પંડિત મદનમોહન માલવીયની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરશે અને ત્યારબાદ બપોરના ૩.૦૦ વાગ્યાથી રોડ શોનો પ્રારંભ થશે.

બીએચયુથી લગભગ સાત કિલોમીટરનો રસ્તો કાપીને દશાશ્વમેઘઘાટ ખાતે રોડ શો સમાપ્ત થશે. પીએમ મોદી અહીં સાંજે ગંગા આરતીનાં દર્શન પણ કરશે. શક્તિ પ્રદર્શન સમા આ રોડ શોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમન, સુષમા સ્વરાજ, પીયૂષ ગોયલ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉપરાંત એનડીએના દિગ્ગજ નેતાઓ નીતીશકુમાર, ઉદ્ધવ ઠાકરે પણ જોડાશે. રોડ શો દરમિયાન રપ ક્વિન્ટલ ગુલાબ અને અન્ય ફૂલથી વડા પ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

આવતી કાલ શુક્રવારે મોદી કાળભૈરવ અને કાશીવિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ વારાણસી બેઠક માટે પોતાનું ફોર્મ ભરશે. નોમિનેશન અને મેગા રોડ શોની તડામાર તૈયારી પર નજર રાખવા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અગાઉથી જ વારાણસી પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે મોદીની આ ર૦મી બનારસ યાત્રા છે. તેમના રોડ શોમાં વધુમાં વધુ મેદની એકત્ર કરવાની જવાબદારી પદાધિકારીઓને સોંપી દેવામાં આવી છે. રોડ શોના પ્રબારી રાજેશ ત્રિવેદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક રોડ શો બની રહેશે. અમને આ રોડ શોમાં છ થી સાત લાખ લોકો જોડાય તેવી શક્યતા લાગી રહી છે.

સાત કિલોમીટર લાંબા આ રોડ શોમાં ૧૦૧ વેલકમ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાં પીએમ મોદીનું ગુલાબનાં ફૂલથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. મોદીનો રોડ શો બીએચયુના સિંહ દ્વાર પર આવેલી પંડિત મદનમોહન માલવીયની પ્રતિમા પર માલ્યાર્પણ સાથે શરૂ થશે. ત્યારબાદ તે લંકા, અસ્સી, ભદૈની, શિવાલા, સોનારપુરા, મદનપુરા, ગોદૌલિયા બાદ દશાશ્વમેઘઘાટ સુધી જશે. આ રૂટ પર રસ્તાની બંને બાજુ બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યાં છે.

કોઈ વ્યક્તિને રોડ શો દરમિયાન રસ્તા પર વચ્ચે આવવાની મંજૂરી નહીં મળે. સુરક્ષાની પણ અભૂતપૂર્વ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રોડ શોની સુરક્ષા માટે ર૧ એડિશનલ એસપી, પપ સીઓ, ૬ર૦ ઈન્સ્પેક્ટર, ૩૧૦૦ કોન્સ્ટેબલ, ૧ર કંપની પીએસી, ૧૬ કંપની પેરામિલિટરી ફોર્સ, ૧પ૦ મહિલા પોલીસ કર્મચારી સહિત એસપીજી (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ) અને એલઆઈયુની ટીમ દરેક ચાર રસ્તા પર તહેનાત રહેશે.

બપોરના ૩.૦૦ વાગ્યે શરૂ થયેલો રોડ શો ચાર કલાક બાદ એટલે કે અંદાજે સાંજના ૭.૦૦ કલાકે દશાશ્વમેઘઘાટ ખાતે પહોંચશે. જ્યાં ફ્લોટિંગ પ્લેટફોર્મ પરથી મા ગંગાનું વૈદિક રીતે પૂજન કર્યા બાદ મોદી ભવ્ય ગંગા આરતીમાં પણ ભાગ લેશે. સમગ્ર ઘાટ હજારો દીવડાથી પ્રકાશિત કરવામાં આવશે અને સીડી પર રેડ કાર્પેટ (લાલ જાજમ) બિછાવવામાં આવશે.

સાંજે ગંગા આરતી બાદ વડા પ્રધાન મોદી શહેરના પ્રતિષ્ઠિત લોકો સાથે ભોજન લેશે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનમંડળના તેમના સહયોગીઓ પણ હાજર રહેશે, તેમાં પંજાબના અકાલીદળના નેતા સુખબીરસિંહ બાદલ, બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર, કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એઆઈએડીએમકેના અગ્રણી નેતાઓ, અાસામ ગણ પરિષદના નેતાઓ ઉપરાંત અપનાદળના અનુપ્રિયા પટેલ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ ખાસ ઉપસ્થિત રહેશે.

You might also like