ઈન્ડોનેશિયાની મુલાકાતઃ ચીન અને પાકિસ્તાન સામે PM Modiનો માસ્ટર સ્ટ્રોક

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ડોનેશિયામાં જે રીતે સ્વાગત થયું હતું તે જોઈને પાકિસ્તાન તો ઠીક પણ ચીનના પેટમાં પણ તેલ રેડાયું હશે. ઈન્ડોનેશિયાને ભારતની જરૂર છે અને ભારતને ઈન્ડોનેશિયાની. દક્ષિણ-પૂર્વ એશિયામાં ઈન્ડોનેશિયા એ સૌથી મોટો દેશ છે. ભારત સાથે મેરીટાઈમ અને વ્યાવસાયિક જોડાણ ધરાવે છે, પરંતુ મોદીની મુલાકાતનો મહત્ત્વનો મુદ્દો સાબન્ગ આઇલેન્ડ હોવાની શક્યતા લાગે છે, જે મલાક્કા સ્ટ્રેઈટની નજીક આવેલો છે અને તેથી જ ચીનના પેટમાં તેલ રેડાય છે.

ચીન અને ભારત વચ્ચે ‘ઓબોર’ અને ‘એનએસટીસી’ પ્રોજેક્ટ્સના કારણે ‘બેટલ ફોર ગ્લોબલ ઈન્ફલ્યૂન્સ’ જેવી સ્થિતિ છે. ચીનની ‘‌સ્ટ્રિંગ ઑફ પર્લ્સ’ની સ્ટ્રેટેજીના કારણે ભારતે હિંદ મહાસાગરમાં જ પહેલી પછડાટ ખાવી પડી હતી. આખી દુનિયા જાણે છે કે મલાક્કા દ્વીપકલ્પ એ સમગ્ર વિશ્વમાં શિપિંગ માટે સૌથી વધારે શ્રેષ્ઠ ગણાય છે.

વળી, આર્થિક અને માળખાકીય રીતે પણ તેનું મહત્ત્વ વધારે છે. વળી, મલાક્કા એ ઈન્ડિયન અને પેસિફિક સમુદ્ર વચ્ચે પ્રાથમિક શિપિંગ લેન છે, જેની સાથે ચીન જેવી મહાસત્તા ઉપરાંત જાપાન, સાઉથ કોરિયા, મલેશિયા વગેરે જોડાયેલાં છે. અસંખ્ય જહાજ એકસાથે ત્યાંથી પસાર થાય છે એવો વ્યાપક સમુદ્ર કિનારો છે.

સાબન્ગ તેની નજીક આવેલું છે અને ભારતે સાબન્ગમાં માળખાકીય રોકાણ કરવાની યોજના બનાવી છે. આ કારણે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાત પર ચીને આંખ અને કાન બન્ને ખુલ્લાં રાખ્યાં હતા.

ચીનનાં અખબારોએ તો પોતાના તંત્રીલેખમાં ચીનના મનોભાવનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ભારતના ઓવરસીઝ પોર્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ માટે ચીને હંમેશાં હકારાત્મક વલણ રાખ્યું છે, પરંતુ તેનો અર્થ એવો નથી થતો કે ભારત ઈન્ડોનેશિયા સાથે લશ્કરી સહયોગ માટેના કરાર કરશે તો ચીન હાથ બાંધીને બેસી રહેશે! ભારતને રીતસર એ રીતે ચેતવણી જ આપી છે! ચીનને એવો ભય છે કે જો ભારત સાબન્ગ ખાતે મિલિટરી બેઝ ઊભો કરે તો મલાક્કા સ્ટ્રેઈટનો વ્યાપક ઉપયોગ કરતા ચીનની આર્થિક અને સલામતી સ્થિતિ જોખમાઈ જશે.

ચીને હિંદ મહાસાગરમાં ઘણાં પોર્ટ્સ પાછળ રોકાણ કર્યાં છે પણ ક્યાંય મિલિટરી મિશન માટે ઉપયોગ નથી કર્યો. જો ભારત એવું પગલું લેશે તો વળતા જવાબમાં ચીન હિંદ મહાસાગરમાં તેનાં પોર્ટ્સનો ઉપયોગ પણ મિલિટરી મિશન માટે કરશે, પરંતુ ઈન્ડોનેશિયાની સ્થિતિ જુદી છે.

તેને ઉપખંડમાં સલામતી માટે ભારત સિવાય કોઈ પર ભરોસો નથી. મોદી અને ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ ‘મગનું નામ મગજ’ રાખ્યું, ‘મરી’ ન પાડ્યું અને કરાર કરી દીધા, તે મુજબ ટ્રેડ, ટૂરિઝમ અને ‘પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ્સ’ના હેતુ સાથે આંદામાન-નિકોબાર ટાપુ અને સુમાત્રાને એ દૃષ્ટિએ વિકસાવવાના કરાર કરી લીધા.

સાબન્ગ અને તેની આસપાસના વિસ્તારને આવરી લઈને એ પાછા આંદામાન-નિકોબારથી ૯૦ સામુદ્રિક માઈલ જ દૂર છે, ત્યાં ‘જોઈન્ટ ટાસ્ક ફોર્સ’ રચીને પોર્ટ સંબંધી માળખાકીય યોજનાઓ હાથ ધરવાના કરાર પણ કરી લીધા. આ બે કરાર દ્વારા ઈન્ડોનેશિયાએ પોતાનો દરિયાઈ વિસ્તાર ભારતને ભેટ ધરી દીધો એમ કહી શકાય, કારણ કે ઈન્ડોનેશિયાને યુનોની સંરક્ષણ સમિતિમાં સ્થાન મેળવવા ભારત અને ભારત તરફી દેશોના મતની જરૂર પડવાની છે.

ચીન ભલે એમ કહેતું હોય કે તે પોર્ટ્સનો પોર્ટ તરીકે જ ઉપયોગ કરે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષમાં તેણે કેટલાય ટાપુ પર સંરક્ષણ હકનું કારણ દર્શાવીને લશ્કરી થાણાં ઊભાં કર્યાં છે, તેને રોકવું અત્યંત જરૂરી છે. વડા પ્રધાન મોદીએ એવી આશા વ્યક્ત કરી હતી કે તેમની આ યાત્રાથી ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ને નવું બળ મળશે.

પેસિફિક મહાસાગરમાં ચીનની વધતી વગને નિયંત્રણમાં રાખવામાં ઈન્ડોનેશિયા અને મલેશિયા સાથેના કરાર મહત્ત્વના ગણાશે. ઈન્ડોનેશિયાએ વડા પ્રધાન તરીકે મોદીની પહેલી યાત્રા અગાઉ જ આ બંદર ભારતને ભેટ તરીકે આપી દીધું હતું. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમને આમંત્રણ આપ્યું હતું.

ભારત-ઈન્ડોનેશિયા સાબન્ગમાં સહયોગ પ્રસ્તાવ પર ૨૦૧૪-૧૫માં વિચારવાનું શરૂ કર્યું હતું, પરંતુ હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી ઘૂસણખોરીએ ભારત અને ઈન્ડોનેશિયાની ચિંતામાં વધારો
કર્યો હતો.

You might also like