મોદીનું નમસ્તે લંડનઃ આજે પીએમ થેરેસા મે અને ક્વીન એલિઝાબેથ સાથે મુલાકાત

લંડન: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દિવસીય વિદેશ પ્રવાસના બીજા ચરણમાં લંડન પહોંચી ગયા છે. મોડી રાત્રે લંડનના હિથ્રો એરપોર્ટ પર પહોંચેલા નરેન્દ્ર મોદીનું બ્રિટનના વિદેશ પ્રધાન બોરિસ જ્હોન્સને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આજે ભારતીય સમય અનુસાર બપોરે ર-૩૦ કલાકે મોદી બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે સાથે મુલાકાત કરશે.

ત્યાર બાદ આજે રાત્રે ૮-૩૦ કલાકે મોદી બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયને મળશેે અને રાત્રે ૯-૩૦ કલાકે ભારત કી બાત, સબકે સાથ કાર્યક્રમમાં મોદી ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરશે. ભારતીય સમય મુજબ રાત્રે ૧ર-૩૦ કલાકે મોદી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મિટિંગ (ચોગમ)માં પણ ભાગ લેશે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રિન્સ ચાર્લ્સ સાથે પણ મુલાકાત કરશે.

પીએમ મોદી લંડનમાં ચાલી રહેલા વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લેશેે. જ્યાં ભારતની પ,૦૦૦ વર્ષની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને શોધને દર્શાવવામાં આવી છે. આ દરમિયાન ભારતીય અને  બ્રિટિશ તેમજ ભારતીય મૂળના વિજ્ઞાનીઓને પણ મોદી મળશેે. પીએમ મોદીની ‌બીજી બ્રિટન યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે આયુર્વેદિક ચિકિત્સા પર સમજૂતી થશે.

પીઅેમ મોદીના બ્રિટન પ્રવાસમાં એક ડઝનથી પણ વધુ કરાર પર મંજૂરીની મહોર લાગનાર છે, જેમાં નોસ્કોમ એન્ડ ઇનોવેટ યુકે, નીતિ આયોગ અને તેમના બ્રિટિશ સમકક્ષ સંસ્થાન વચ્ચે સમજૂતી થશે. આ ઉપરાંત બ્રિટનમાં ગેરકાયદે વસતા ભારતીયોની વાપસીની પ્રક્રિયા નિર્ધારિત કરવા પણ સંમતિ થનાર છે.

પીએમ મોદી લંડનની થેમ્સ નદી નજીક લિંગાયત સમુદાયના સુધારક રહેલા બાસવન્નાને શ્રદ્ધાંજલિ આપશે. આ ઘટનાને કર્ણાટકની ચૂંટણી સાથે સાંકળીને જોવામાં આવી રહી છે. બ્રિટનના વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટ દરમિયાન ભારતના ભાગેડુ અપરાધીઓની વાપસી અંગેની પણ ચર્ચા થવાની આશા છે.

વિદેશ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે આમ તો આ મુદ્દે બંને દેશો સ્થાપિત તંત્ર દ્વારા વાતચીત કરી રહ્યા છે. લંડનમાં આજે ભારત કી બાત, સબકે સાથ નામના આ કાર્યક્રમની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, તેનું આયોજન ભાજપના વિદેશ સંબંધિત વિભાગ ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.

You might also like