કોંગ્રેસના 3કામ, અટકાવવું, લટકાવવું અને ભટકાવવુઃ મોદીએ કલોલમાં કોંગ્રેસ પર કર્યાં પ્રહાર

આગામી વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમણે પહેલા ભાભરમાં સભાને સંબોધી હતી અને હવે તેઓ કલોલ પહોંચી ગયા છે.

કલોલમાં પણ મોદીની સભામાં મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા. મોદીએ સભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કલોલના વખાણ કરતાં કહ્યું હતું કે, ‘કલોલે તો આજે કમાલ કરી દીધી છે. હું આખી દુનિયા માટે ભલે PM હોઉં પણ તમારા માટે તો તમારો દિકરો જ છું. તમે તમારા પ્રેમમાં ક્યારેય ખોટ આવવા દીધી નથી. તમે માત્ર વૉટ જ આપ્યા છે.’

મોદીએ કોંગ્રેસ પર વાર કરતાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસ મારા પર ગુસ્સો શા માટે કરે છે, મને સમજાતું નથી. મારો વાંક શું છે? કોંગ્રેસના બસ ત્રણ જ કામ છે. અટકાવવું, લટકાવવું અને ભટકાવવું. રામ મંદિર મુદ્દે કોંગ્રેસ વિરોધ કરી રહી છે, પરંતુ કોર્ટમાં કહે છે કે 2019 પછી ચૂકાદો આપજો. વિરોધ થાય એટલે કોંગ્રેસ કહે છે કે એમનો વ્યક્તિગત વિચાર છે.’

મોદીએ ગુજરાતના વખાણ કરતાં કહ્યું હતું કે, આજે ઈંગ્લેન્ડ, જર્મની, જાપાન અને દરેક જગ્યાએ ભારતની જયજયકાર થાય છે. મેં નક્કી કર્યું છે કે હું દેશ સંભાળીશ. દરેક ગુજરાતીને ખબર છે કે મોદી પોતાની જવાબદારી અદા કરશે જ.

You might also like