ભાજપ સ્થાપનાદિન: કાર્યકરો સેવાભાવથી કામ કરેઃ મોદી

નવી દિલ્હી: આજે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ૩૮મા સ્થાપનાદિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નવી દિલ્હી ખાતે ભાજપના વડામથક પર પહોંચ્યા હતા અને ભાજપના કાર્યકરોને સેવાભાવથી કામ કરવા મંત્ર આપ્યો હતો. દેશભરમાં ભાજપના સ્થાપનાદિનની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રચંડ વિજય બાદ સ્થાપનાદિનની ઉજવણીનું ખાસ મહત્ત્વ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને સ્થાપનાદિનની શુભેચ્છા આપતાં સેવાભાવથી કામ કરવા મંત્ર આપ્યો હતો. ભાજપના સ્થાપનાદિને પીએમ નરેન્દ્ર મોદીએ દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભાજપના કાર્યાલયમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડુએ જણાવ્યુું હતું કે ભાજપ ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ના એજન્ડા પર કામ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે દેશના છેવાડાના નાગરિકનો વિકાસ એ ભાજપનું લક્ષ્ય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સ્થાપનાદિને ટ્વિટ કરીને દેશભરના ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યાં હતાં. નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે હું દેશભરના ભાજપના કાર્યકરોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું છું. આપણે ગર્વભેર ભાજપના કાર્યકરોની મહેનતને યાદ કરીએ છીએ, જેમણે એક-એક ઈંટથી ભાજપની ઈમારત ઊભી કરી છે. એ આપણા માટે ગર્વની વાત છે કે દેશભરના લોકોએ ભાજપમાં વિશ્વાસ દાખવ્યો છે. આપણે સતત ભારત, ગરીબ અને પછાતોની સેવા કરતાં રહીશું.
http://sambhaavnews.com/

You might also like