મોદી મિઝોરમ-મેઘાલય મિશન પરઃ આઇઝોલમાં તુઇરાલ જળ વિદ્યુત પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

શિલોંગ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મિઝોરમ અને મેઘાલયના પ્રવાસે છે. તેમણે આઇઝોલ પહોંચ્યા બાદ કેટલાય પ્રોજેક્ટસનું ઉદ્ઘાટન કર્યું હતું અને જાહેર સભાને સંબોધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઇઝોલમાં તુઇરાલ જળ વિદ્યુત પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે મને ગર્વની અનુભૂતિ થઇ રહી છે.

આ પ્રોજેક્ટ મિઝોરમની જનતા માટે વરદાન સમાન સાબિત થશે. પીએમ મોદીએ આઇઝોલમાં એક જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે મિઝોરમમાં એવા કેટલાય વિસ્તારો છે જ્યાં વીજ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. અમારો હેતુ દરેક ઘરમાં વીજળી કનેકશન આપવાનો છે. તેમણે ખાતરી આપી હતી કે સરકાર વિનામૂલ્યે વીજ કનેકશન આપશે.

મિઝોરમ-મેઘાલય પહોંચતાં પહેલાં તેમણે ટ્વિટ કર્યું હતું કે ‘મોહક અને ઉમંગથી ભરપૂર પૂર્વોત્તર મને બોલાવી રહ્યું છે. હું મિઝોરમ અને મેઘાલયની યાત્રાએ જવા ખૂબ જ આતુર છું. ત્યાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્વોત્તરની વિકાસ યાત્રાને વેગ આપશે. આપણે જોઇએ છીએ કે નોર્થ-ઇસ્ટમાં ખૂબ જ ક્ષમતા રહેલી છે. આ ક્ષેત્રના બહેતર વિકાસ માટે તમામ પ્રયાસો અમે કરીશું.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે મિઝોરમમાં માય ડોનિયર એપ પણ લોન્ચ કરવામાં આવશે. આ એપ દેશની યુવાશક્તિને નવી ઊંચાઇ પર લઇ જશે. ડોનિયર દ્વારા નોર્થ-ઇસ્ટ માટે રૂ.૧૦૦ કરોડનું ફંડ જમા કરાવવામાં આવ્યું છે. યુવા ઉદ્યોગ સાહસિકોને આ ફંડમાંથી ચેકનું વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત વડા પ્રધાન મોદી શિલોંગમાં એક રોડને ખુલ્લો મૂકશે. આ રોડ શિલોંગ-નાંગસ્ટોઇંગ-રાંગજેંગ-તુરા રોડને જોડશે. આ પ્રોજેક્ટ આર્થિક વિકાસને વેગ આપશે. મેઘાલયમાં પણ પીએમ મોદી એક જાહેર સભાને સંબોધશે.

મોદીએ જણાવ્યુું હતું કે પૂર્વોત્તરમાં અપાર સંભાવનાઓ છે અને આ પ્રદેશના સર્વગ્રાહી વિકાસ માટે શક્ય તમામ પ્રયાસો કરવા અમે પ્રતિબદ્ધ છીએ. સાથે તેમણે જણાવ્યું હતું કે પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલયે રૂ.૧૦૦ કરોડનું નોર્થ-ઈસ્ટ વેન્ચર કેપિટલ ફંડ બનાવ્યું છે. આવતી કાલે આ ફંડમાંથી ઉદ્યોગ સાહસિકોને ચેકનું વિતરણ કરવામાં આવશે. પૂર્વોત્તરના યુવાનો વચ્ચે ઉદ્યોગ સાહસિકતાની ભાવના પ્રદેશના સશક્તિકરણ માટે લાભદાયક સાબિત થશે.

મિઝોરમના રાજ્ય પ્રોટોકોલ અધિકારી ડેવિડ એલ. પચાઉએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૯-૦૦ કલાકની આસપાસ આઇઝોલ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આઇઝોલમાં તેમણે આસામ રાઇફલ મેદાન ખાતે એક જાહેર સભાને સંબોધી હતી. તેમણે ૬૦ મેગાવોટ પવન ઊર્જા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેઓ શિલોંગ જવા રવાના થયા હતા.

You might also like