પાકિસ્તાનને લઇને PM પાસે કોઇ રણનીતિ નહીં, વિદેશ પ્રધાન પાસે કોઇ કામ નહીં: રાહુલ

જર્મની બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લંડનમાં પીએમ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં કહ્યું કે ગત ચાર વર્ષમાં કેન્દ્રની સરકારમાં સત્તાનું કેવળ કેન્દ્રીકરણ થયું છે, જ્યારે સફળતા વિકેન્દ્રીકરણથી જ મળે છે.

રાહુલ ગાંધીએ આ વાત આઇઆઇએસએસના કાર્યક્રમમાં જણાવી. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર 1.3 અરબ લોકોની વચ્ચે ભેદભાવ ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે. પીએમઓનું વિદેશ મંત્રાલય પણ એકાધિકારી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને લઇને રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમની પાસે કોઇ કામ નથી.

જેના કારણે તેઓ બધા લોકોને વીઝા આપવામાં જ વ્યસ્ત હોય છે. તેમની પાસે આનાથી અગત્યનું કોઇ કામ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે પાકિસ્તાન સાથે મોદી સરકારની રણનીતિમાં ઉણપ છે. ભારત ત્યારે જ પ્રગતિ કરી શકે છે કે જ્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય પરંતુ ગત 4 વર્ષમાં એવું થયું નથી.

સતાનું કેન્દ્રીકરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે રાહુલ ગાંધીને ડોકલામ વિષે પુછવામાં આવ્યું ત્યારે જવાબ આપતાં કહ્યું કે મારી પાસે તેની સંપૂર્ણ જાણકારી નથી જેના કારણે હું કોઇ જવાબ આપીશ નહીં.

પરંતુ એટલું જરૂર કહેવા માગીશ કે આ કોઇ સરહદ વિવાદ નથી, પરંતુ આ એક રણનીતિક મામલો છે. મોદી સરકાર દરેક વસ્તુને એક ઇવેન્ટની જેમ જોઇ રહી છે જ્યારે હું એક પ્રક્રિયાની જેમ દેખું છું.

You might also like