આજે દેશના પ્રથમ સંવિધાનદિન નિમિત્તે પીએમ મોદીની શુભેચ્છા

નવી દિલ્હી: આજે સંવિધાન દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે દેશની જનતાને પ્રથમ ઐતિહાસિક સંવિધાન દિવસની શુભકામનાઓ. હું આશા રાખું છું કે આ દિવસ સંવિધાન અંગે વધુ જાણ‍વા માટે પ્રેરણા આપશે. આજે સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે પ્રથમ બે દિવસ સંવિધાનદિન પર ચર્ચા થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ દિવસ એવા પુરુષો અને મહિલાને સમર્પિત છે, જેમણે ભારતને એક બંધારણ આપવા અથાગ પ્રયાસો કર્યા છે. મોદીએ આ પ્રસંગે સંવિધાનના નિર્માતા બાબાસાહેબ આંબેડકરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ડો. બાબાસાહેબ આંબેડકરના નામ વગર સંવિધાનનો ઉલ્લેખ અધૂરો છે. હું તેમને સલામ કરું છું.

સંવિધાન દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મુબારક બાદ પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે આપણે સંવિધાનની મર્યાદા અને તેના વિચારોનો આદર કરવો જોઈએ. આ ઉપરાંત આપણે દેશને એવો બનાવવો જોઈએ કે સંવિધાન બનાવનારા લોકો પર ગર્વ થાય. સંવિધાન દિવસ નિમિત્તે આજે સરકારી ઈમારતો પર રોશની કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ દેશમાં પ્રથમ વાર સંવિધાનનો અમલ કરવામાં આવ્યો હતો, જોકે વિધિવત્ રીતે તેનો અમલ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી થયો હતો. વડા પ્રધાન મોદીએ હવે દર વર્ષે ૨૬ નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે મનાવવા જાહેરાત કરી છે.

You might also like