જળવિસ્તારની સુરક્ષામાં સમુદ્રી આતંક ખતરોઃ મોદી

વિશાખાપટ્ટનમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયાઇ જળ વિસ્તારની સુરક્ષા સમક્ષ સમુદ્રી આતંકવાદ અને ચાંચિયાગીરી એમ બે મુખ્ય પડકારો ગણાવ્યા હતા. જોકે દક્ષિણ ચીન સમુદ્રી વિવાદની પશ્ચાદભૂમાં દરિયો ખેડવાની સ્વતંત્રતા પર પણ તેમણે ભાર મૂક્યો હતો. દરમિયાન ઓડિશાના પારાદીપમાં તેમણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રૂ. ૩૪,૫૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી રિફાઇનરી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રાસંગિક પ્રવચનમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, તેમને લીધે આ યોજનામાં આટલો વિલંબ થયો છે, અને તેનાથી દેશને ભારે નુકસાન થયું છે.

આંતરરાષ્ટ્રીય ફ્લિટ રિવ્યૂના સમાપન સમારોહને સંબોધતાં ૨૬-૧૧ મુંબઇ આતંકી હુમલાના દેખીતા ઉલ્લેખમાં મોદીએ જણાવ્યું હતું કે, સમુદ્રમાંથી ઉદભવતો આતંકવાદ હજુ પણ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ તથા સ્થિરતા સમક્ષ એક ખતરો છે. તેમણે ઉમેર્યું હતું કે સમુદ્રી આતંકનો ભારત સીધો ભોગ બન્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સોમાલિયાના ચાંચિયાઓ ભારત સહિતના દેશોના જહાજોને લક્ષ્ય બનાવે છે તેના સંદર્ભમાં ચાંચિયાગીરી પણ એક મજબૂત પડકાર છે.

આંતરરાષ્ટ્રીય ફલિટ રિવ્યૂના સમાપન સમારોહને સંબોધતા વડાપ્રધાને દક્ષિણ ચીન સમુદ્રી વિવાદનો પરોક્ષ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, બધા દેશોએ દરિયાઇ ખેડાણને માન આપવું જોઇએ અને તેની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી જોઇએ તેમજ સહકાર આપવો જોઇએ અને સ્પર્ધા કરવી જોઇએ નહીં.

તેમણે જણાવ્યું હતું કે ત્રીજી ભારત-આફ્રિકા સમિટ અને ભારત પેસિફિક આઇલેન્ડ સહકારની યજમાની કર્યા બાદ ભારત આગામી એપ્રિલમાં સૌપ્રથમ ગ્લોબલ મેરિટાઇમ સમિટનું યજમાન પદ સંભાળશે.

પોતાની સરકારના મહત્ત્વાકાંક્ષી મેઇક ઇન ઇન્ડિયા અભિયાનનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, ફલિટ રિવ્યૂમાં જે યુદ્ધ જહાજોએ ભાગ લીધો હતો તેમાંથી ૩૭ ભારતીય યુદ્ધ જહાજો સ્વદેશી બનાવટના છે અને આગામી વર્ષોમાં તે સંખ્યામાં ચોક્કસપણે વધારો થશે.
તેમણે જણાવ્યું કે, સુનામી અને ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓનો ભય હંમેશા રહેશે. માનવ સર્જિત સમસ્યાઓ જેવી કે ઓઇલ ઢોળાવું અને જળવાયુ પરિવર્તન પણ દરિયાઇ વિસ્તારની સ્થિરતા માટે હંમેશા એક જોખમ રહેશે.

આ અગાઉ વડાપ્રધાન મોદીએ પારાદીપમાં રૂ. ૩૪,૫૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ની રિફાઇનરી આજે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, તેમને લીધે આ યોજનામાં આટલો વિલંબ થયો છે, અને તેનાથી દેશને ભારે નુકસાન થયું છે.

તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાને લીધે યુવાનોને રોજગારી મળશે. હવે અહીંથી ગેસ સિલિન્ડરો ગરીબોના ઘર સુધી પહોંચી શકશે. મોદીએ કહ્યું કે આ રિફાઇનરીને લીધે ઓડિશાનું ભાગ્ય બદલાઇ જશે. આ યોજના લાખ્ખો નોકરી પૂરી પાડશે. આ પારાદીપ વાસ્તવમાં ઓડિશાનો વિકાસદીપ પૂરવાર થશે.

વાર્ષિક દોઢ કરોડ ટનની ક્ષમતાની આ રિફાઇનરી ૧૬ વર્ષમાં તૈયાર થઇ છે. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ૨૪ મે ૨૦૦૦ના રોજ આઇઓસીના આ નવમા પ્લાન્ટની આધારશિલા મૂકી હતી. પારાદીપ અગાઉ આઇઓસીની ૮ રિફાઇનરીઓની કુલ ક્ષમતા પ.૪૨ કરોડ ટન ક્રૂડ ઓઇલના શુદ્ધિકરણની હતી. પારાદીપ મારફતે આઇઓસીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રઝને પાછળ પાડી દીધી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટમાં વાર્ષિક ૫૬ લાખ ટન ડીઝલ, ૩૭.૯ લાખ ટન પેટ્રોલ તથા ૧૯.૬ લાખ ટન કેરોસીન- એટીએફનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત ૭.૯૦ લાખ ટન એલપીજી તથા ૧૨.૧ લાખ ટન પેટકોકનું પણ ઉત્પાદન થશે.

તેમણે ઉમેર્યું કે, આપણે ખાડીનું તેલ અને ઝાડનું તેલ ભેગું કરવાનું છે. આપણા શેરડી પકવતાં ખેડૂતો જોઇએ તેટલી ખાંડનું ઉત્પાદન કરે બાકીની શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય જેથી આપણા વાહનો પણ ઝડપી ચાલે અને પર્યાવરણ પણ સલામત રહે.

You might also like