રન ફોર યુનિટીને લીલી ઝંડી, સરદાર પટેલનું નામ મિટાવવાની કોશિશ થઈ રહી છેઃ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની આજે ૧૪રમી જન્મ જયંતી પ્રસંગે નવી દિલ્હી ખાતે ‘રન ફોર યુનિટી’ને લીલીઝંડી બતાવી હતી. આજે દેશભરમાં ‘રન ફોર યુનિટી’ના કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે.

આ અગાઉ વડા પ્રધાન મોદીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સરદાર પટેલને આપણે ખૂબ જ જલદી ભૂલી ગયા છીએ. સરદાર પટેલે સામ, દામ, દંડ, ભેદની કૂટનીતિ અને રણનીતિ દ્વારા દેશને એક સૂત્રમાં બાંધ્યો હતો. સરદાર પટેલને આપણા દેશની યુવાપેઢીથી પરિચિત કરાવવામાં આવ્યા નથી. ઇતિહાસના ઝરોખાથી આ મહાપુરુષનું નામ મિટાવવાની કોશિશ કરવામાં આવી છે.

મોદીએ જણાવ્યું હતું કે તેમ છતાં સરદાર પટેલ દેશના આત્મામાં બિરાજમાન છે. તેમણે દેશની સાંસ્કૃતિક વિવિધતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આપણે એકતા આપણી વિરાસત પાસેથી શીખ્યા છીએ. વિશ્વની પ્રત્યેક પરંપરાને આપણે આપણી અંદર સમેટી છે. દેશની એકતા માટે સરદાર પટેલે ભગીરથ કામ કર્યું હતું. આજે આપણે ‘રન ફોર યુનિટી’ દ્વારા સરદાર પટેલને ફરી યાદ કરી રહ્યા છીએ. સરદારનું યોગદાન આપણે ભૂલાવા દઇશું નહીં.

દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે પણ જણાવ્યું હતું કે આઝાદી બાદ સરદાર પટેલને જલદી ભૂલવામાં આવ્યા છે. આજે આ કાર્યક્રમ દ્વારા ડો.રાજેન્દ્રબાબુના આત્માને શાંતિ મળી રહી હશે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ પ્રધાન રાજનાથસિંહે પટેલ ચોક સ્થિત સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પી હતી. મોદી સાથે મંચ પર દીપા કર્માકર, સુરેશ રૈના અને સરદારાસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે જ્યારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની બાગડોર સંભાળી છે ત્યારથી દેશભરમાં સરદાર પટેલના જન્મદિવસને એક પર્વ તરીકે મનાવાઇ રહ્યો છે. સરદાર પટેલે સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો હતો. કેન્દ્ર સરકારે પણ સરદાર પટેલ જયંતીને રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રસંગે પીએમ મોદીએ ઉપસ્થિત લોકોને એકતાના શપથ લેવડાવ્યા બાદ દિલ્હીના નેશનલ સ્ટેડિયમથી ઇન્ડિયા ગેટ સુધી દોઢ કિ.મી.ની દોડ લગાવી હતી.

You might also like