ઓબામા સાથે છે નિકટના સંબંધોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસે જતા પહેલા દુનિયાના ફલક પર ભારતની વધી રહેલી ભૂમિકા, સુરક્ષા, પાકિસ્તાન સાથેના સંબંધો વગેરે જેવી મહત્વની બાબતો પર અમેરિકી સમાચાર પત્ર વોલ સ્ટ્રીટ જર્નલમાં એક ઇન્ટરવ્યું આપ્યો છે. મોદી આ વખતના પ્રવાસમાં અમેરિકી કોંગ્રેસ જોઇન્ટ સત્રને સંબોધિત કરી રહ્યાં છે.

અમેરિકાના પ્રવાસ અને રાષ્ટ્રપતિ ઓબામા સાથેના તેમના સંબંધો અંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટ ઓબામાએ માર્ચ મહિનામાં મને આમંત્રણ આપ્યું હતું. બાદમાં ન્યૂકલિયર સમિટ દરમ્યાન પણ વ્યક્તિગત રીતે આગ્રહ કર્યો હતો. મારા આગ્રહ પર તે ફરી ભારત આવ્યા હતા. તો સ્વાભાવિક રીતે મારી પણ તે ફરજ બને છે. વળી અમારી વચ્ચે ગાઢ મિત્રતા છે કે અમે હક્કથી એકબીજા સાથે વાત કરી શકીએ છીએ.

વધુમાં તેમણે જણાવ્યું કે એ મારા માટે ગર્વની બાબત છે કે અમેરિકી કોંગ્રેસે જોઇન્ટ સેશનને સંબોધિત કરવા માટે મને બોલાવ્યો છે. જેથી અમેરિકાની જનતા સાથે સંવાદ કરવાની મને એક તક મળશે. સુરક્ષાના મામલે વોલ સ્ટ્રીટ જર્નલને તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાના મામલે ભારત ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આગળ વધવા માંગે છે. ડિફેન્સમાં અમારો ખુબ જ મોટો હિસ્સો ઇમ્પોર્ટ થઇ રહ્યો છે. આર્થિક રીતે અને મારા દેશના યુવાનોને રોજગારી મળી રહે તે બે રીતે સુરક્ષાલક્ષી વસ્તુઓનું ઉત્પાદન એક એવું ક્ષેત્ર છે કે જ્યાં મારા દેશના યુવાનોને રોજગારીની તક મળી રહે.

પાકિસ્તાન સાથેના સંબંધો પર વાત કરતા નરેન્દ્ર મોદી બોલ્યા કે જે દિવસે મારી સરકાર બની ત્યારે મેં સાર્ક દેશોના તમામ રાષ્ટ્રધ્યક્ષોને મારા શપથ ગ્રહણ સમારોહમાં બોલાવ્યા હતા. તે સમયે તો હું પ્રધાનમંત્રી બન્યો પણ ન હતો.પરંતુ હું મારા ઇરાદાઓને લઇને ખૂબ જ સ્પષ્ટ હતો કે હું મારા પડોસી દેશો સાથે નિકટતા કેળવીશ.  ભારત સાથે મારા પડોશી દેશોની પણ ભલાઇ ઇચ્છું છું એટલા માટે જ હું લાહોર પણ ગયો હતો.

આંતકવાદના મુદ્દે મોદીએ નિવેદન આપ્યું હતું કે આંતકવાદ સમગ્ર દેશની ચિંતાનું કારણ છે. આતંકવાદ સાથે આપણે કોઇ જ બાંધછોડ કરી શકીએ તેમ નથી અને કરવી પણ ન જોઇએ. દુનિયામાં જ્યાં જ્યાં આતંકવાદ છે, તેની વિરૂદ્ધ અમે ચોક્કસથી સ્ટેન્ડ લઇશું.

You might also like