ભ્રષ્ટાચાર-ગંદકી સામે લડનાર દરેક વ્યક્તિ ચોકીદારઃ PM મોદી

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાહુુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ના આરોપનો જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘આપનો ચોકીદાર મજબૂતી સાથે અડીખમ ઊભો છે અને દેશની સેવામાં કાર્યરત છે, પરંતુ હું એકલો નથી. એવી દરેક વ્યકિત જે ભ્રષ્ટાચાર, ગંદકી અને સમાજના દુશ્મનો સાથે લડી રહી છે તે ચોકીદાર છે. જે પણ વ્યકિત ભારતના વિકાસ માટે સખત મહેનત કરી રહી છે તે પણ ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહે છે… મૈં ભી ચોકીદાર.’

રેલીઓ અને રોડ શો દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર રાફેલ ફાઇટર ડીલનો ઉલ્લેખ કરીને મોદી ભ્રષ્ટાચારી હોવાનું જણાવે છે. રાહુલ ગાંધી લોકો પાસે એવા નારા પણ બોલાવડાવે છે કે ચોકીદાર ચોર હૈ. રાહુલ ગાંધીનું મોદી (ચોકીદાર) ચોર છે એવું કહેવું ઘણાંને સહ્ય નથી. તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજય સુરક્ષા રક્ષક યુનિયને પોલીસને ફરિયાદ આપીને જણાવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે એવું કહીને તમામ ચોકીદારોનું અપમાન કર્યું છે અને તેથી તેમની સામે કેસ દાખલ કરવામાં આવે.

યુનિયનના વડા સંદીપ ઘુંઘેએ જણાવ્યું છે કે પોલીસ રાહુલની વિરુદ્ધ કેસ દાખલ કરે. તેમણે તમામ ચોકીદારોનું અપમાન કર્યું છે. પોલીસ જો કાર્યવાહી કરશે તો ભવિષ્યમાં કોંગ્રેસ અધ્યક્ષ ચોકીદારોનું અપમાન કરતા બંધ થશે. ફેબ્રુઆરીમાં લોકસભાના આખરી સત્રમાં મોદીએ જણાવ્યું હતું કે તમે એવું કહો છો કે મોદી સંસ્થાઓને ખતમ કરી રહ્યા છે, બરબાદ કરી રહ્યા છે, આપણે ત્યાં એક કહેવત છે કે ઊલટો ચોર કોટવાલને દંડે. મને લાગે છે કે તેના પર વિચાર કરવાની જરૂર છે. કટોકટી દેશમાં કોંગ્રેસે લાદી હતી, પરંતુ કહે છે કે મોદી દેશને બરબાદ કરી રહ્યા છે.

You might also like