કરુણાનિધિની હાલત અત્યંત ગંભીરઃ PM મોદી ખબર પૂછવા જશે ચેન્નઈ

ચેન્નઈ: તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ડીએમકેના અધ્યક્ષ એમ. કરુણાનિધિની હાલત અત્યંત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. લો બ્લડ પ્રેશરની તકલીફ બાદ કરુણાનિધિને ર૭-ર૮ જુલાઈએ કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમના વાઈટલ ઓર્ગન્સ યોગ્ય રીતે કામ નથી કરતા અને તેમની હાલત સતત કથળતી જાય છે. આગામી ર૪ કલાક કરુણાનિધિ માટે ખૂબ મહત્ત્વના બની રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કરુણાનિધિની ખબર પૂછવા ચેન્નઈ જાય તેવી શક્યતા છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ચેન્નઈ જઈને ડીએમકેના પીઢ નેતાના હાલચાલ પૂછ્યા હતા. ગડકરી એમ. કે. સ્ટાલિન તથા અન્ય પરિવારજનોને પણ મળ્યા હતા.

સોમવારે સાંજે કાવેરી હોસ્પિટલ તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં જણાવાયું હતું કે કરુણાનિધિની હાલત સતત કથળતી જાય છે. હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ) વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે.

પાંચ વખત તામિલનાડુના મુખ્યપ્રધાન રહી ચૂકેલા કરુણાનિધિની તબિયત અત્યંત ગંભીર હોવાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા અને થોડી વારમાં જ કાવેરી હોસ્પિટલની બહાર તેમના સમર્થકોની મોટી ભીડ ઊમટી હતી.

પોતાના પ્રિય નેતાની એક ઝલક મેળવવા અને તેમની તબિયત વિશે જાણવા માટે આતુર બનેલા સમર્થકોની ભીડ બેકાબૂ ન બને અને કોઈ હિંસક ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પૂરતો સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ચેન્નઈના વૂડલેન્ડ થિયેટરમાં રાતના તમામ શો રદ્દ કરી દેવામાં આવ્યા હતા. ડીએમકેના કાર્યકર્તાઓ સતત પૂર્વ મુખ્યપ્રધાનની તબિયત અંગે પૂછપરછ કરી રહ્યા છે અને તેમને શાંત રાખવા પક્ષના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઊતર્યા છે.

કાવેરી હોસ્પિટલના કાર્યકારી નિદેશક ડો. અરવિંદન સેલ્વરાજે જણાવ્યું હતું કે કરુણાનિધિની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમની સારવાર શરૂ કરી દીધી છે, પરંતુ તેમની હાલત સતત કથળી રહી છે અને તેમના ઓર્ગન્સને કામ કરતાં રાખવા એ અમારા માટે મોટો પડકાર છે. સારવારની અસર તેમના પર કેટલી હદે થાય છે અને તેમના ઓર્ગન્સ કેવો રિસ્પોન્સ આપે છે તે આગામી ર૪ કલાકમાં ખબર પડશે.

કરુણાનિધિનાં પત્ની દયાલુ અમ્મલ પણ હોસ્પિટલ પહોંચી ગયાં છે અને તેમણે પણ સમર્થકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.  ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૩ જૂને કરણાનિધિએ તેમનો ૯૪મો જન્મદિવસ ઊજવ્યો હતો. પ૦ વર્ષ પહેલાં ર૬ જુલાઈએ જ તેમણે ડીએમકેની કમાન પોતાના હાથમાં લીધી હતી અને લાંબો સમય પોતાની બેઠક પરથી નહીં હારવાનો અનોખો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

You might also like