મોદી કેબિનેટનું વિસ્તરણ હવે ટૂંક સમયમાંઃ મોટા ફેરફારો થશે

નવી દિલ્હી: મોદી સરકાર હવે ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧ કે ર સપ્ટેમ્બરે સરકાર નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન આપશે. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને સંઘ વચ્ચે મનોમંથન ચાલી રહ્યું છે.

એવું કહેવાય છે ચીન જતાં પહેલાં મોદી પોતાના નવા પ્રધાનમંડળની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કામગીરી પ્રમાણે નેતાઓને મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવશે. ની‌િતન ગડકરીને મોટી જવાબદારી મળવાના નિર્દેશો મળી રહ્યા છે. ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવશે.

હાલ મોદી સરકારમાં એવા કેટલાય પ્રધાનો છે કે તેમની પાસે એક કરતાં વધુ મંત્રાલયનો હવાલો છે. મનોહર પારિકરને ગોવાના મુખ્ય પ્રધાન બનાવ્યા બાદ અરુણ જેટલી પાસે સંરક્ષણ અને નાણાં એમ બે મંત્રાલયનો કાર્યભાર છે. ડોકલામ વિવાદ બાદ હવે એક ફૂલટાઇમ ડિફેન્સ મિનિસ્ટરની જરૂર સ્પષ્ટપણે જણાય છે. એમ. વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ માહિતી-પ્રસારણ મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલય ખાલી છે. કેબિનેટમાં ફેરફાર બાદ વિવિધ રાજ્યના રાજ્યપાલોનાં નામની સરકાર જાહેરાત કરી શકે છે.

You might also like