નીતિન ગડકરીને રેલવે, સુરેશ પ્રભુને પર્યાવરણ મંત્રાલય મળશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રધાન મંડળમાં આગામી એકાદ બે દિવસમાં મોટા પાયે ફેરફાર કરનાર છે. આ સંદર્ભમાં ગુરુવારે ઓછામાં ઓછા છ કેન્દ્રીય પ્રધાને રાજીનામાં આપી દીધાં છે, જેમાં ઉમા ભારતી, કલરાજ મિશ્ર, રાજીવ પ્રતાપ રુડી, સંજીવ બાલિયા, મહેન્દ્ર પાંડેય અને નિર્મલા સીતારમમનો સમાવેશ થાય છે અને રવિવાર બપોર સુધી હજુ વધુ પ્રધાનોનાં રાજીનામાં પડવાની શક્યતા છે. મોદી કેબિનેટનાં આગામી વિસ્તરણમાં કેટલાક પ્રધાનોનાં ખાતાં બદલાશે અને કેટલાક બિનકાર્યક્ષમ પ્રધાનોની હકાલપટ્ટી થશે અને નવા ચહેરાને એન્ટ્રી મળશે.

અહેવાલો અનુસાર માર્ગ પરિવહન પ્રધાન નીતીન ગડકરીને રેલવે મંત્રાલયનો ચાર્જ મળી શકે છે. જ્યારે હાલ રેલવે પ્રધાનનો હવાલો સંભાળતા સુરેશ પ્રભુને પર્યાવરણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવે તેવી શકયતા છે. આમ પણ હાલ સંરક્ષણ, પર્યાવરણ, શહેરી વિકાસ, માહિતી અને પ્રસારણ જ જેવાં મંત્રાલયો કોઇ ફૂલટાઇમ પ્રધાન વગરનાં છે.

હવે જ્યારે લોકસભાની ચૂંટણી આડે બે વર્ષ કરતાં ઓછો સમય રહ્યો છે ત્યારે વડા પ્રધાન મોદીનું ફોકસ પર્ફોર્મન્સ પર રહેશે. એવું માનવામાં આવે છે કે ર૦૧૯ પહેલાં કેબિનેટમાં આ આખરી બદલાવ હશે. આ કવાયતનો હેતુ મહત્વના મંત્રાલયોને ફૂલટાઇમ પ્રધાન આપવાનો માત્ર નથી, પરંતુ સારો દેખાવ કરનાર પ્રધાનોને બઢતી આપવાનો અને બિનકાર્યક્ષમ પ્રધાનોની હકાલપટ્ટી કરવાનો છે.

બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારના બે પ્રતિનિધિ રામચંદ્રપ્રસાદસિંહ અને પૂર્ણિયાના સાંસદ સંતોષ કુશવાહને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળનાર છે. એ જ રીતે રાજીવપ્રતાપ રૂડીને પક્ષમાં મહત્ત્વનું સ્થાન મળનાર છે. સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારને શહેરી વિકાસ મંત્રાલયનો હવાલો આપવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે કે જેનો અધિક કાર્યભાર હાલ ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર સંભાળી રહ્યા છે.

આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ અને ધમેન્દ્ર પ્રધાનને મોદી કેબિનેટમાં બઢતી મળી શકે છે અને તેમનું કદ વધી શકે છે. આ ત્રણેય પ્રધાનોનાં કામથી મોદી સંતુષ્ટ છે. એજ રીતે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન ગજપતિ રાજુ અને કૃષિ પ્રધાન રાધામોહનસિંહનું મંત્રાલય બદલાઇ શકે છે. ગુજરાત સહિત છ રાજ્યોમાંથી નવા પ્રધાનોને સ્થાન અપાશે એવા નિર્દેશો મળી રહ્યા છે.

કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારના ટાઇમિંગને લઇને હજુ અનિશ્ચિતતા છે. કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રાએ જનાર છે. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાટનગરની બહાર છે. એવી અટકળો છે કે રવિવારે ચીન રવાના થતા પહેલાં મોદી પોતાની કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે

You might also like