BRICSમાં PM મોદીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો

શિયામેન: ચીનના શિયામેનમાં બ્રિક્સના પાંચ રાષ્ટ્રની શિખર સંમેલનનો આરંભ થઈ ચૂક્યો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ રીતે બ્રિક્સમાં આતંકનો મુદ્દો ઉઠાવ્યો હતો અને બ્રિક્સ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે તમામ દેશોમાં શાંતિ અને વિકાસ માટે બ્રિક્સ દેશોનું સંગઠિત રહેવું આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે શાંતિ અને વિકાસ માટે પારસ્પારિક સહયોગ જરૂરી છે. બ્રિક્સ બેન્કોએ લોન આપવાનું શરૂ કર્યું છે. વિકાસના કાર્યો માટે આ એક નવી પહેલ છે.

આ અગાઉ બ્રિક્સના પ્રારંભિક સેશનને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિંગપિંગે સંબોધન કર્યું હતું. મોદી અને જિંગપિંગ વચ્ચે મંગળવારે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાનાર છે. શી જિંગપિંગે જણાવ્યું હતું કે દુનિયામાં જે પણ મુદ્દાઓ અત્યારે ચાલી રહ્યા છે તેનો આપણી ભાગીદારી વગર નિકાલ આવી શકે નહીં. તેમણે એવી જાહેરાત કરી હતી કે બ્રિક્સ દેશોમાં બિઝનેસ ઓપરેશન, વિકાસને પ્રોત્સાહિત કરવા ૪૦ લાખ અમેરિકન ડોલરની મદદ કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમે અમારા દેશમાં કાળા નાણાં વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે. અમારું લક્ષ્યાંક સ્માર્ટ સિટી, આરોગ્ય, વિકાસ અને શિક્ષણમાં સુધારા લાવવાનું છે. મોદીએ જણાવ્યું હતું કે અમારો દેશ યુવાન છે અને યુવાનો જ અમારી તાકાત છે. અમે ગરીબી સામે લડવા સફાઈ અભિયાન શરૂ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે બ્રિક્સની મજબૂત ભાગીદારીથી જ વિકાસ થશે.

શી જિંગપિંગે વધુમાં જણાવ્યું હતું કે આપણી રાષ્ટ્રીય સ્થિતિમાં આપણા મતભેદો છતાં પાંચ દેશ વિકાસના ક્ષેત્રમાં સમાન સ્ટેજ પર છે. આપણે તમામ દેશોએ એક જ અવાજે તમામ દેશની સમસ્યાઓને વાંચા આપવી જોઈએ કે જેથી વિશ્વમાં શાંતિ અને વિકાસ આગળ વધી શકે. બેઠક દરમિયાન ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિંગપિંગે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વિશ્વની સ્થિતિને જોતાં બ્રિક્સ દેશોની જવાબદારી ઘણી વધી જાય છે.

અગાઉ બેઠકમાં બ્રિક્સ રાષ્ટ્રોના તમામ નેતાઓ પહોંચી ગયા છે. થોડી વાર પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૯મી બ્રિક્સ રાષ્ટ્રો (બ્રા‌િઝલ, રશિયા, ભારત, ચીન અને દ‌િક્ષણ આફ્રિકા)ની શિખર બેઠકમાં હાજરી આપવા શિયામેન પહોંચી ગયા હતા. યજમાન રાષ્ટ્રના વડા શી જિનપિંગે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુ‌િતન, બ્રા‌િઝલના રાષ્ટ્રપતિ માઇકલ ટેમર અને દ‌િક્ષણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકોબ જુમાનું વિધિવત્ સ્વાગત કર્યું હતું.

દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે ભારે ગર્મજોશી જોવા મળી હતી અને બંનેએ ઉષ્માભર્યું હસ્તધૂનન કર્યું હતું. ડોકલામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે થયેલી મડાગાંઠ બાદ ચીનમાં યોજાઇ રહેલી બ્રિક્સ શિખરનું સવિશેષ મહત્ત્વ છે. આ બેઠકમાં આતંકવાદના મુદ્દે વાતચીત થવાની અપેક્ષા છે.

ચીન તરફથી આતંકવાદ મુદ્દે એક મોટું નિવેદન જારી કરાયું છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે જણાવ્યું હતું કે આપણે આતંકવાદનાં કારણો પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે જો આપણે આતંકવાદ સામેના જંગને તેના સમગ્ર સ્વરૂપમાં જોઇશું અને તેનાં લક્ષણો સાથે જ તેનાં મૂળભૂત કારણો પર ધ્યાન આપીશું તો આતંકીઓને ક્યાંય પણ છુપાવાની જગ્યા મળશે નહીં.

You might also like