PM મોદી રવાન્ડાની મુલાકાતે, વિકાસ યાત્રામાં અમે તમારી સાથે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દિવસીય આફ્રિકન દેશોની મુલાકાત વચ્ચે પ્રથમ મુકામ રવાન્ડા પહોંચી ગયા છે. આ પૂર્વ આફ્રિકા દેશની મુલાકાત લેનાર તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બની ગયા છે. કદાચ આ જ કારણ રહ્યું હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કગામે પોતે એરપોર્ટ પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કિગાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રવાન્ડામાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ કગામેએ સંયુક્ત નિવેદન આપ્યું હતું. ભારત ટૂંક સમયમાં રવાન્ડામાં પોતાનો દૂતાવાસ ખોલવા જઇ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેની જાણકારી આપતાં કહ્યું હતું કે અમે રવાન્ડામાં જલ્દી જ ઉચ્ચાયુક્ત ખોલવા જઇ રહ્યાં છીએ. જેમાં બંને દેશો વચ્ચે સંપર્ક સ્થાપિત તેમજ કાઉન્સલર, પાસપોર્ટ, વીઝા અને અન્ય સેવા પણ ઉપલબ્ધ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ભારત અને રવાન્ડા વચ્ચેના સંબંધ સમયની કસોટીમાં ખરા ઉતર્યાં છે. અમને ગર્વ છે કે રવાન્ડાના આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય વિકાસ યાત્રામાં ભારત તમારું વિશ્વસનીય ભાગીદાર રહ્યું છે, રવાન્ડાની વિકાસ યાત્રામાં અમારુ યોગદાન આગળ પણ રહેશે.

You might also like