Modiની હત્યાનું ષડ્યંત્રઃ નક્સલીઓને પદાર્થપાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે

તાજેતરમાં ભીમા-કોરેગાંવમાં થયેલ હિંસા સંદર્ભે ઝડપાયેલા પાંચ શખ્સ પૈકી ‘રો’ના વિલિયમ્સના નિવાસસ્થાનેથી પોલીસને હાથ લાગેલા એક પત્રમાં મોદીને રાજીવ ગાંધીની જેમ જ મારી નાખવાની યોજના અંગે જણાવાયું હતું. મોદી હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો છે, માઓવાદ અને નક્સલવાદ હિંદુઓનો વિરોધી છે.

હિંદુઓમાં દલિત-સવર્ણ એમ બે ભાગ પાડી તોફાન કરાવવાં એ તેમની નેમ છે. મોદીને કોઈ રોડ શો દરમિયાન મારી નાખવા માટે જ ફરી એવાં સાધનોની વ્યવસ્થા કરવાનું પણ પત્રમાં જણાવવામાં આવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે, પોલીસે જે કરવું હશે તે કરશે, પરંતુ સૌથી મોટો મુદ્દો નરેન્દ્ર મોદીની સુરક્ષાનો છે.

૧૯૯૧માં જે રીતે ભારતના પૂૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી એવી જ રીતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ હત્યા કરવાનું કાવતરું ઘડાવાની વાત બહાર આવતાં જ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો ત્યારે હવે નક્સલવાદ અને માઓવાદીઓને પદાર્થપાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે અને તેમનો ખાતમો આખરી માર્ગ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જો આવાં તત્ત્વોને અંકુશમાં રાખવામાં ન આવે તો તે ગમે ત્યારે જોખમી બની મોદી જેવા અન્ય નેતાઓ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે.

તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા હતા. એ કદાચ ગેરહાજર રહેત તો પણ દેશના વિકાસમાં કે બીજા કોઈ કામમાં ફરક ન જ પડ્યો હોત. તેમ છતાં સમગ્ર મીડિયા ચેનલે આ મામલે જે હાઈપ ઊભો કર્યો એ જોવા જેવો હતો.

બીજી બાજુ દેશના વડા પ્રધાન (હા, વિરોધ પક્ષ માને કે ન માને મોદી ભારત દેશના વડા પ્રધાન છે ભાજપના નહીં જ)ને જાનનું જોખમ હોય, તેમનો ખાતમો કરવાનો કારસો રચાતો હોય તો આ સમાચારને મહત્ત્વ આપવું જોઈએ કે નહીં? હજુ પણ કેટલાંક મીડિયા માત્ર અને માત્ર પ્રણવ’દાની અને આરએસએસની જ પીપૂડી વગાડી રહ્યાં છે.

મોદીના વિચાર, મોદીએ કરેલાં કાર્યો સામે કોઈને પણ મતભેદ જરૂર હોઈ શકે, પરંતુ શું કોઈ એવો રાજનેતા જોયો છે, જે દિવસમાં અઢાર કલાક કામ કરતો હોય, જેનાં પરિવારજનો ખુલ્લેઆમ વગર પોલીસ સંરક્ષણ ફરતાં હોય? કોઈ પણ સ્વજનને રાજકારણમાં કોઈ પદ કે ચૂંટણીની ઉમેદવારી આપી હોય? નહીં, બિલકુલ નહીં?

એક નેતા તરીકે મોદીએ લીધેલાં પગલાં તમને ન ગમતાં હોય તો તમે તેની ટીકા અવશ્ય કરો, પરંતુ તેની સામે આ રીતે બદલો લેવાની ભાવના કોઈ જ રીતે માન્ય નથી.

એક પણ વિરોધ પક્ષના નેતાએ આ સમાચાર સામે કોઈ ટિપ્પણી કરી નથી? ખૂબ જ નવાઈની વાત છે, પ્રણવ મુખરજીના ભાષણનાં વખાણ કરી-કરીને થાકી ગયેલી કોંગ્રેસ પણ પ્રણવ’દાએ આપેલી શીખ ભૂલી ગઈ છે, કેમ કોઈ નેતા આગળ આવીને નથી કહેતા કે આવા પત્ર લખનારા માઓવાદી અને નક્સલવાદીઓનો ખાતમો જ અંતિમ પર્યાય છે.

સરકારે આવાં સંગઠનો સામે કડક હાથે કામ લેવું જોઈએ. જો આવી જ ધમકી કોંગ્રેસના કે બીજા કોઈ પક્ષના નેતાઓને મળી હોત તો ચેનલોએ એવો માહોલ ઊભો કર્યો હોત કે જાણે દેશમાં યુદ્ધ ફાટી નીકળ્યું હોય.

નરેન્દ્ર મોદી આ દેશના જ નહીં, પરંતુ હાલમાં વિશ્વના ટોચના નેતાઓમાંના એક છે. તેમની સુરક્ષાની જવાબદારી સરકારની છે. કાશ્મીરની જેમ નક્સલવાદ અને માઓવાદ નાસૂર બની જાય એ પહેલાં કડક હાથે કામ લઈ બંનેનો ખાતમો બોલાવવો જોઈએ એ જ છેલ્લો રસ્તો છે.

કેન્દ્ર સરકાર અને જે તે રાજ્ય સરકારે હવે સુરક્ષારક્ષકોને છૂટોદોર આપી દેવો જોઈએ, કેમ કે રાજીવ ગાંધીની હત્યાથી આ દેશને જેટલું નુકસાન થયું છે તેટલું જ મોદીને કંઈ થાય તો પણ થઈ શકે છે. પુણે પોલીસે ૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ પુણેના જ ભીમા-કોરેગાંવમાં ભડકેલી હિંસાના મામલે ‘રો’ના જૈકબ વિલ્સન, સુધીર ઢાવલે અને સુરેન્દ્ર ગડલિંગ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.

પુણે પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે અટકાયતમાં લેવામાં આવેલા આ પાંચ આરોપીઓમાંથી એક આરોપીના દિલ્હી સ્થિત નિવાસસ્થાનથી એક પત્ર મળી આવ્યો હતો. આ પત્રમાં જે રીતે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી તેવી જ રીતે વડા પ્રધાન મોદીની હત્યા કરવાનો પ્લાન તૈયાર કરાયો હતો.

You might also like