પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો પર PM મોદીએ કરી વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક

તેલની કિંમતમાં થઇ રહેલા સતત વધારા તેમજ અમેરિકા તરફથી આપવામાં આવેલી ધમકી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા પ્રધાન અરૂણ જેટલી અને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠક યોજી છે.

આ બેઠકમાં ઇરાન પાસેથી તેલ ના ખરીદવાને લઇને અમેરિકા તરફથી આપવામાં આવેલી ધમકી પર ચર્ચા હાથ ધરવામાં આવી. સૌથી મોટો સવાલ એ છે કે પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી અગાઉ પેટ્રોલ-ડીઝલ પર કોઇ નિર્ણય લે છે કે નહીં ?

એક મળતા અહેવાલ મુજબ પેટ્રોલ-ડિઝલની કિંમતને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેનું સૌથી મોટુ કારણ છે કે પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યું છે. એવામાં સરકાર નાણાકીય સંજોગો તેમજ આચાર સંહિતાને ધ્યાનમાં લઇને કોઇ નિર્ણય લઇ શકે તેમ નથી.

જો કે ઇરાન પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે કે નહી તેના પર મંથન કરવામાં આવ્યું. તેલની કિંમતોમાં થઇ રહેલા સતત વધારાના કારણે પેટ્રોલ-ડિઝલની કિંમત અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સ્તર પર જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે ક કેન્દ્ર સરકાર દ્વારા ગત દિવસોમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 1.5 રૂપિયો જ્યારે કંપનીઓ દ્વારા 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કેટલાક રાજ્યમાં 2.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેલની વધતી કિંમતને લઇને કોંગ્રેસ સતત સરકારને ઘેરવાના પ્રયત્ન કરી રહી છે.

You might also like