મૈત્રી એક્સપ્રેસ બાદ હવે બાંગ્લાદેશ-કલકત્તા વચ્ચે ‘બંધન એક્સપ્રેસ’ શરૂ, PMએ આપી લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા બંધન એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ દરમ્યાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. આ બંધન એક્સપ્રેસ કલકત્તા અને બાંગ્લાદેશના ઔદ્યોગિક શહેર ખુલના વચ્ચે ચાલશે.

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ‘થોડા સમય પહેલા અમે South Asia Satelliteના લૉન્ચિંગ વખતે આ જ પ્રકારની વીડિયો કોન્ફરન્સ કરી હતી. ગયા વર્ષે અમે મળીને Petrapole ICPનું ઉદ્દઘાટન પણ આ જ રીતે કર્યું હતું. આજે અમારી કનેક્ટિવિટીને મજબીત કરનાર પ્રોજેક્ટનું ઉદ્દઘાટન પણ અમે વીડિયો કોન્ફરન્સથી કર્યું છે.’

વડાપ્રધાને કહ્યું હતું કે, આજે અમે બે રેલવેના બ્રીજનું ઉદ્દઘાટન કર્યું છે. લગભગ 10 કરોડ ડૉલરની કિંમતે બનેલા આ બ્રીજ બાંગ્લાદેશના રેલવે નેટવર્કને મજબૂત કરવામાં સહાયક થશે. બાંગ્લાદેશના વિકાસ કાર્યોમાં ભાગીદાર થવું તે ભારત માટે ગર્વની વાત છે.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને બંગાળના કલકત્તા વચ્ચે મૈત્રી એક્સપ્રેસ પહેલેથી જ ચાલી રહી છે. હવે બંધન એક્સપ્રેસ પણ શરૂ કરવામાં આવી છે.

You might also like