બલુચિસ્તાન મુદ્દે હવે મોદીને અફઘાનિસ્તાનનો સાથ મળ્યો

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના પૂર્વ પ્રમુખ હામિદ કરજઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બલુચિસ્તાનમાં માનવ અધિકારોમાં હનનનો મુદ્દો ઉઠાવવા બાબતે આવકાર આપતાં જણાવ્યું છે કે ત્યાંના લોકોને અનેક અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની પરંપરા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની રહી છે અને તેમને એ‍વું લાગતું નથી કે ભારત આ ક્ષેત્રમાં પરોક્ષ યુદ્ધની ઈચ્છા રાખી રહ્યું છે.
તેમણે એવું જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પરોક્ષ યુદ્ધ થવું જોઈએ નહીં. પાકિસ્તાનના અધિકારી અફઘાનિસ્તાન તથા ભારતની બાબતમાં ખુલ્લેઆમ બોલે છે, પરંતુ ભારતના વડા પ્રધાને પ્રથમ વખત બલુચિસ્તાનના અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો. કરજઈએ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પીસ એન્ડ કોન્ફિલકટ સ્ટડીઝ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આ વાત કરી હતી.
અફઘાનિસ્તાનના પૂર્વ પ્રમુખ કરજઈએ પાકિસ્તાનને અનુરોધ કર્યો છે કે તેઓ બલુચિસ્તાનની સ્થિતિને ગંભીરતાનો સ્વીકાર કરે. તેમણે જણાવ્યું હતું કે બલુચિસ્તાનમાં પખ્તુનોએ ભારે અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે. બલુચિસ્તાનમાં અફઘાનિસ્તાનની મોટી ભાગીદારી છે, કારણ કે ત્યાંથી અફઘાનિસ્તાનમાં ત્રાસવાદ પહોંચે છે. કરજઈએ ભારતને અપીલ કરી છે કે ભારતે અફઘાનિસ્તાનના સંરક્ષણ દળોને મદદ કરતાં ખચકાવું જોઈએ નહીં.

You might also like