PM નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવા માગ

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડ્યા બાદ કોંગ્રેસ, રાજદ અને જદયુએ રેડિયો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો છે. ત્રણેય પક્ષે ચૂંટણી પંચને મળવાનો સમય માગ્યો છે. તેમણે વડા પ્રધાનના આ રેડિયો કાર્યક્રમ પર પ્રતિબંધ  મુકાવવાની તૈયારી કરી છે. વાસ્તવમાં ત્રણેય પક્ષની માગણી છે કે બિહાર ચૂંટણી સુધી મોદીના ‘મન કી બાત’ અને દૂરદર્શન સહિત અન્ય ચેનલ પર આ પ્રકારના કાર્યક્રમોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

આ પક્ષનું કહેવું છે કે બિહારમાં હવે ચૂંટણીની આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આ સંજોગમાં મોદી ‘મન કી બાત’ કે અન્ય કાર્યક્રમ દ્વારા બિહારમાં યોજાનારી ચૂંટણીમાં મતદાતાને પ્રભાવિત કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોદી આકાશવાણીના કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશના કરોડો લોકો સુધી પોતાની વાત અને યોજનાઓ રજૂ કરે છે. આ કાર્યક્રમને સાંભળનાર એક મોટો વર્ગ છે. આ કાર્યક્રમથી પ્રેરિત થઈને છત્તીસગઢના મુખ્યપ્રધાન ડો. રમનસિંહે પણ આકાશવાણી દ્વારા રાજ્યની જનતા સાથે પોતાના વિચારો શેર કરવાનું શરૂ કર્યું છે. હવે ૨૦ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી  રેડિયો પર ‘મન કી બાત’ દ્વારા લોકો સાથે સંવાદ કરનાર છે.

You might also like