પ્લસ સાઈઝ માટે કપડાં ખરીદીના પ્લસ પોઈન્ટ

આજકાલ માર્કેટમાં પણ પ્લસ સાઈઝના લોકો માટે ઘણી વેરાઈટીનાં કપડાં મળતાં હોય છે જે તેમની સુંદરતામાં વધારો કરે છે. જ્યારે ડિઝાઈનરો પ્લસ સાઈઝવાળી મહિલાઓનાં કપડાં તૈયાર કરતી વખતે જરૂરી ટિપ્સ આપતા હોય છે. જે તેમને ફેશનેબલ અને ટ્રેન્ડી લુક આપવામાં મદદ કરે છે.

પ્લસ સાઈઝ આઉટફિટની યોગ્ય પસંદગી
આજે પ્લસ સાઈઝવાળી વ્યક્તિઓ માટે માર્કેટમાં તેમની સાઈઝનાં ઘણાં ફેશનેબલ કપડાં મળી રહે છે. આ સિવાય ડિઝાઈનરો પણ તેમના માટે યોગ્ય ફીટિંગ અને સ્ટાઈલનાં કપડાં તૈયાર કરે છે. જેનાથી તે સ્લીમ લાગી શકે અને ટ્રેન્ડી લુક પણ મેળવી શકે. આમ જણાવતાં દર્શી શાહ ભાવિન ત્રિવેદી (ડીએસબીટી સ્ટુડિયો)નાં દર્શી શાહ વધુમાં કહે છે કે, “પ્લસ સાઈઝવાળી મહિલાઓએ કપડાંનું ફીટિંગ એકદમ વ્યવસ્થિત હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. બને ત્યાં સુધી કોઠા વગરનાં કપડાં તૈયાર કરાવવાં જોઈએ. જેથી કરી તેમનો બોડી શેપ સારો લાગે. તેઓએ અનારકલી, ગાઉન, ઇન્ડો વેસ્ટર્ન, ચણિયાચોળી જેવાં કપડાંની પસંદગી કરવી જોઈએ. હાઈ નેક અને વી નેક ઓછા કરાવવા જોઈએ. જ્યારે હાથનો શેપ વધુ જાડો ન લાગે તે માટે સ્લીવ થ્રી-ફોર્થ સાઈઝની રાખવી જોઈએ. જ્યારે આઉટફિટના કટ પર પણ વધુ ધ્યાન આપવું જોઈએ. આ સિવાય પ્લસ સાઈઝવાળી વ્યક્તિના મનમાં એક ખોટી માન્યતા પણ હોય છે કે જોર્જેટ કે ક્રેપ મટીરિયલનાં ઢીલા કપડાં પહેરવાથી ઓછા જાડા દેખાઈ શકો, પરંતુ તે સત્ય નથી. તેઓએ જાડા મટીરિયલમાંથી બનાવેલાં કપડાં પણ ટ્રાય કરવાં જોઈએ. જેનાથી શરીનો શેપ દેખાય નહીં. ડ્રેસની પસંદગી એવી કરવી કે જેનાથી તમારી વેસ્ટ હાઈલાઈટ થાય. સાડી પર ટૂંકા બ્લાઉઝને બદલે ચોલી અથવા તો જેકેટ સ્ટાઈલનાં બ્લાઉઝની પસંદગી કરવી.”

કૂલ લુક માટે ફેશનેબલ આઉટફીટ
હવે તો પ્લસ સાઈઝવાળી વ્યક્તિ પોતાનાં આઉટફિટ માર્કેટમાંથી તો ખરીદી શકે છે પરંતુ સ્ટાઈલિશ અને ફેશનેબલ કપડાં ઓનલાઈન પણ મગાવી શકે છે. આજે ઘણી વેરાઈટી તેમના માટે ઉપલબ્ધ છે. જેમ કે, વિવિધ ડ્રેસીસ, ટોપ્સ અને ક્નિટવર, ટ્રાઉઝર, પ્લે સૂટ અને જમ્પ સૂટ, સ્કર્ટ અને શોર્ટ્સ, કોટ્સ અને જેકેટ્સ વગેરે. આ તમામ આઉટફિટ જાડા લોકો માટે એવી રીતે તૈયાર કરવામાં આવે છે જે તેમના શરીરને બરાબર ફીટ આવી જાય અને ખરાબ પણ ન લાગે. જ્યારે ઠંડીની સિઝન માટે ખાસ પ્રકારનાં સ્વેટર અને શ્રગ પણ મળી રહે છે. જો વજનને છુપાવવું હોય તો ફલોર લેન્થનો અનારકલી ડ્રેસ ખરેખર ઘણી મદદ કરે છે. હવે પ્લસ સાઈઝ માટે ડિઝાઈનર સાડીઓની રેન્જ પણ ઘણી છે જેનાથી શરીર પરની વધારાની ચરબી છુપાવી શકાય છે. જ્યારે લગ્નપ્રસંગ માટે તૈયાર થતા ચણિયાચોળીની પસંદગી પર ખાસ ધ્યાન હોય છે. જેમ કે, ચણિયો ઘેરવાળો હોય, બોટમમાં એમ્બ્રોઇડરી હોય તો તે સારું દેખાય છે. બને ત્યાં સુધી નેટ કે ટિસ્યૂ પર પસંદગી ઓછી કરવી, બ્લાઉઝ ક્રેપ કે રૉ સિલ્ક મટીરિયલનાં હોવાં જોઈએ.
સપના બારૈયા વ્યાસ

You might also like