મિશેલના પ્રત્યર્પણથી માલ્યા ગભરાયોઃ બેન્કોનું 100 ટકા મુદ્દલ ચૂકવવા ઓફર

નવી દિલ્હી: ભારતીય બેન્કોના રૂ.૯,૦૦૦ કરોડ લઇને ફરાર થઇ ગયેલ કિંગફિશરના માલિક વિજય માલ્યાએ આજે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કાંડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલનું ભારતને થયેલ પ્રત્યાર્પણથી ગભરાઇને આજે સવારે ઉપરાછાપરી ત્રણ ટ્વિટ કરીને બેન્કની મૂળ રકમ (મુદ્દલ) ભરપાઇ કરવાની ઓફર કરી છે.

‌ક્રિશ્ચિયન મિશેલનું ભારતને થયેલ પ્રત્યર્પણથી વિજય માલ્યાના હોશ ઊડી ગયા છે. વિજય માલ્યાએ આજે સવારે કરેલા ટ્વિટમાં ભારતીય બેન્કોનું ૧૦૦ ટકા મુદ્દલ પરત કરવા તૈયારી બતાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા પર કિંગફિશર એરલાઇન્સના ૧૭ બેન્કોના કોન્સોર્ટિયમના રૂ.૯,૦૦૦ કરોડથી વધુ જંગી રકમ બાકી લેણી નીકળે છે અને તેની સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

વિજય માલ્યા હાલ લંડનમાં છે અને તેને ભારત લાવવા માટે કાનૂની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. માલ્યાએ ટ્વિટમાં જણાવ્યું છે કે ભારતીય રાજનેતા અને મીડિયાએ સતત બુમો પાડીને મને પીએસયુ બેન્કોના નાણાં ચાઉં કરી જનાર ડિફોલ્ટર જાહેર કર્યો છે, પરંતુ આ બધું ખોટું છે. મારી સાથે હંમેશાં પક્ષપાત કરવામાં આવ્યો છે. મેં કર્ણાટક હાઇકોર્ટમાં પતાવટ માટે પ્રસ્તાવ કર્યો હતો, પરંતુ કોઇએ તેના પર ધ્યાન આપ્યું નહોતું.

પોતાના બીજા ટ્વિટમાં માલ્યાએ જણાવ્યું હતું કે કિંગફિશર એરલાઇન્સ ફયૂઅલના ઊંચા દરોનો ભોગ બની હતી. કિંગફિશરને ક્રૂડ ઓઇલ માટે પ્રતિ બેરલ ૧૪૦ ડોલરની કિંમત ચૂકવવી પડતી હતી. આમ ખોટ વધવાથી બેન્કોના નાણાં તેમાં ખર્ચાઇ ગયા, પરંતુ મેં બેન્કોને ૧૦૦ ટકા મુદ્દલ પરત કરવાની ઓ‌ફર કરી છે. કૃપા કરીને તેનો સ્વીકાર કરશો.

માલ્યાએ પોતાના ત્રીજા ટ્વિટમાં જણાવ્યું છે કે હું છેલ્લા ત્રણ દાયકાથી ભારતમાં સૌથી મોટો શરાબનો બિઝનેસ કરતો હતો અને તેના દ્વારા સરકારી ખજાનામાં મેં હજારો કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. કિંગફિશર એરલાઇન્સનો દુઃખદ અંત આવ્યો છે તેમ છતાં હું બેન્કોને પેમેન્ટ કરવા તૈયાર છું.

You might also like