પ્લીઝ, હેલ્પ ફાયર બ્રિગેડ!

અમદાવાદ: એક સમયે અમદાવાદ ફાયર બ્રિગેડની દેશભરમાં પ્રતિષ્ઠા હતી. આજે પણ ફાયર બ્રિગેડના જાંબાજ જવાનોની ખ્યાતિ તો પ્રસરેલી છે પરંતુ મ્યુનિ. સત્તાવાળાઓની વર્ષો જૂની ઉપેક્ષાને કારણે નાગરિકોનાં જાન માલની રક્ષા માટે મદદે દોડી જઈને પ્રાણોની બાજી લગાવી દેનાર ફાયર બ્રિગેડને જ મદદની જરૂર પડી છે. હજી અત્યાર સુધી બીજાં શહેરોનાં પ્રતિનિધિ મંડળ અમદાવાદ મ્યુનિ. ફાયર બ્રિગેડની કામગીરી નિહાળવા આવતા હતા. અમદાવાદ મ્યુનિ. ફાયર બ્રિગેડની સુસજ્જતા જોઈએ તેની કામગીરીને બિરદાવતા હતા પરંતુ હવે સત્તાધીશોની ઉદાસીનતાથી ફાયર બ્રિગેડનાં વળતાં પાણી થયાં છે.

ફાયર બ્રિગેડનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર કહો કે ભાજપના શાસકો ગણો પરંતુ ફાયર બ્રિગેડ તરફ કોઈ નજર નાખવા તૈયાર નથી. પરિણામે આજે શહેરમાં પંદર પંદર ફાયર સ્ટેશન હોવા છતાં એક પણ ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર જ નથી! આ તો એવું થયું કે શહેરમાં પોલીસ સ્ટેશન હોય પરંતુ પોલીસ ઈન્સ્પેક્ટરની જ જગ્યા ખાલી પડી હોય. અત્યારે તમામ ફાયર સ્ટેશન ‘ઈન્ચાર્જ’ના ભરોસે ચાલી રહ્યા છે. કર્મચારીઓને ‘ઈન્ચાર્જ’નો હવાલો સોંપાયો છે તેમાં પણ અનેક વાદ વિવાદ સર્જાયા છે!

જ્યારે શહેરનો વિસ્તાર ૧૯૨ ચો.કિ મી. હતો તે વખતની શેડ્યૂલની કુલ ૫૬૯ જગ્યાઓ સામે ૨૭૩ જગ્યા ભરાઈ નથી. ફાયરમેન જીવ સટોસટની બાજી લગાવીને અમદાવાદીઓને બચાવે છે પરંતુ હાલમાં પણ ફાયરમેનનો વીમો માત્ર રૂ. ૧.૫૦ લાખનો છે. જ્યારે ઓએનજીસીમાં રૂ.૨૫થી ૪૦ લાખનું વળતર ચૂકવાય છે.

ફાયર બ્રિગેડની સ્થિતિ : એક નજર
ડિવિઝનલ ફાયર ઓફિસરઃ બે જગ્યા ખાલી
સ્ટેશન ફાયર ઓફિસર: તમામ ૧૫ જગ્યા ખાલી
સબ ઓફિસર: તમામ ૨૧ જગ્યા ખાલી
ડ્રાઈવર કમ પંપ ઓપરેટર: ૯૬ જગ્યા ખાલી
જમાદાર: ૫૪માંથી ૫૨ જગ્યા ખાલી
ફોરમેન: એક માત્ર જગ્યા ખાલી
ફાયરમેન:  ૪૦૮ જગ્યામાંથી ૧૭ જગ્યા ખાલી
હેડ મિકેનિક: એક માત્ર જગ્યા ખાલી
ઈલેક્ટ્રિશિયન: બે જગ્યા ખાલી
મિકેનિક: તમામ પાંચ જગ્યા ખાલી
કોમ્યુનિકેશન ઓફિસર: એક માત્ર જગ્યા ખાલી
વાયરમેન ટેલિકોમ ઓપરેટરઃ તમામ ૨૨ જગ્યા ખાલી

You might also like