ખેલાડીઓના ડોપિંગ તપાસની પદ્ધતિઓ સામે અનેક સવાલ

વોશિંગ્ટનઃ રમતના મોટા ભાગના ડોપિંગ મામલામાં સત્તાવાર તપાસ નિષ્ફળ રહે છે. આ જાણકારી એક નવા અભ્યાસ દ્વારા મળી છે. જર્મનીની ટૂબિંગન યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે ખેલાડીઓમાં પ્રદર્શન વધારનારી દવાઓનો ઉપયોગ કરવો સામાન્ય વાત છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે આવી દવાઓનો ઉપયોગ કરવાથી ખેલાડીઓ દૂર રહે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું કે ગત વર્ષોમાં આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ફેડરેશન (આઇએએએફ) વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન ઓછામાં ઓછા ૩૦ ટકા અને ૨૦૧૧માં યોજાયેલી પેન આરબ ગેમ્સમાં ૪૫ ટકા એથ્લીટોએ ડોપિંગ ડ્રગ્સનું સેવન કર્યું હતું કે પછી ડોપિંગના અન્ય વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. આમાંથી ફક્ત કેટલાક જ કેસની જૈવિક પરીક્ષણ દ્વારા જાણ થઈ શકી હતી. વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન માત્ર ૦.૫ ટકા જૈવિક પરીક્ષણ જ ડોપિંગ એજન્ટો માટે સકારાત્મક મળી આવ્યા. પેન આરબ ગેમ્સ દરમિયાન આ આંકડો ૩.૬ ટકા સુધી પહોંચી ગયો.

ટૂબિંગન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ અભ્યાસ દરમિયાન દક્ષિણ કોરિયાના ડેગુમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કતારમાં યોજાયેલી પેન આરબ ગેમ્સમાં સામેલ ૨,૧૬૭ સ્પર્ધકોને એવું પૂછ્યું હતું કે ટૂર્નામેન્ટ પહેલાં શું તેઓએ ડોપિંગ ડ્રગ્સનું સેવન કર્યું છે કે અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કર્યો છે? આ દરમિયાન સ્પર્ધકોને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે તેઓ ઇમાનદારીથી જવાબ આપે, કારણ કે આ અંગેની જાણકારી કોઈને આપવામાં આવશે નહીં.

આ દરમિયાન અભ્યાસકર્તાઓએ એકાએક સવાલ પૂછ્યા. આ અંગે ટૂબિંગન યુનિવર્સિટીના રોલ્ફ ઉલરિચે જણાવ્યું કે, ”સંવેદનશીલ મામલાઓમાં આ વિધિનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી ઉત્તર આપનારાઓને પણ કોઈ જાતની શંકા રહેતી નથી.”

અભ્યાસમાં એથ્લીટોને એક મોબાઇલ ડિવાઇસ પર બે સવાલમાંથી એકનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું. પહેલો સવાલ તેઓની જન્મતારીખ સાથે જોડાયેલો હતો, જ્યારે બીજા સવાલમાં એવું પૂછવામાં આવ્યું કે શું પાછલા ૧૨ મહિનામાં તેઓએ પ્રતિબંધિત ડોપિંગ દવાઓનો ઉપયોગ કર્યો છે? બંને સવાલ એકાએક પસંદ કરવામાં આવ્યા હતા. અમેરિકાની મેકલીન હોસ્પિટલના હેરિસન જી. પોપના જણાવ્યા અનુસાર અભ્યાસમાં જાણવા મળ્યું કે લોહી અને મૂત્રના જૈવિક પરીક્ષણને ડોપિંગ મામલામાં વધુ મહત્ત્વ આપવામાં આવતું નથી. પોપે આની પાછળનાં કારણો જણાવતાં કહ્યું કે એથ્લીટ સામાન્ય રીતે ડોપિંગ ટેસ્ટને માત આપવાના ઉપાય જાણતા હોય છે.

You might also like