ખેલાડીઓની ૧૦૦મી ટેસ્ટનાં સંભારણાં

અમદાવાદઃ ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ ટેસ્ટ રમવી ક્રિકેટરના કરિયરની બહુ જ મોટી ઉપલબ્ધિ છે. આ તક ત્યારે વધુ ખાસ બની જાય છે, જ્યારે તે પોતાના શાનદાર પ્રદર્શનથી ૧૦૦મી ટેસ્ટને અવિસ્મરણીય બનાવી દે. થોડા દિવસ પહેલાં વેલિંગ્ટનમાં કંઈક આવું જ વિચારીને ન્યૂઝીલેન્ડનો કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ મેદાનમાં ઊતર્યો હતો, પરંતુ એ ટેસ્ટમાં તેના વિપક્ષી કેપ્ટનના દિમાગમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. જ્યાં એક તરફ ન્યૂઝીલેન્ડ પોતાના આ શાનદાર ક્રિકેટરને પોતાની વિદાય ટેસ્ટના જશ્નને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડવા નહોતું માગતું, ત્યારે કાંગારુંઓએ મેક્કુલમની પાર્ટી ખરાબ કરવાનું જાણે કે નક્કી કરી નાખ્યું હતું.

વેલિંગ્ટનના મેદાનમાં ઊતરેલો મેક્કુલમ ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦મી ટેસ્ટ રમનારો ૬૪મો ક્રિકેટર બન્યો, પરંતુ તે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયનમાં પાછો ફર્યો અને ન્યૂઝીલેન્ડનો બીજો એવો ક્રિકેટર બની ગયો, જે પોતાની ૧૦૦મી ટેસ્ટમાં શૂન્ય રને આઉટ થયો હોય. આ ઉપરાંત એ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી લઈને મેક્કુલમની વિદાય પાર્ટી વધુ ખરાબ કરી નાખી. ૧૦૦મી ટેસ્ટમાં શૂન્ય રને આઉટ થઈને મેક્કુલમ સ્ટીફન ફ્લેમિંગ, એલન બોર્ડર, દિલીપ વેંગસરકર અને કર્ટની વોલ્શની ક્લબમાં જોડાઈ ગયો.

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જસ્ટિન લેન્ગર (શૂન્ય રને રિટાયર્ડ હર્ટ) પોતાની ૧૦૦મી ટેસ્ટના પહેલા જ બોલ પર મખાયા એન્ટિનીની બોલિંગમાં બાઉન્સર પર ઘાયલ થઈ ગયો, જેના કારણે તેણે આઠ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.
૧૦૦મી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ક્રિકેટમાં સદીનું બહુ જ મહત્ત્વ છે. કોઈ ક્રિકેટર સદી ફટકારે છે તો તેને બહુ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે અને જ્યારે કોઈ ક્રિકેટર એક જ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારે અને એ પણ ત્યારે જ્યારે તે પોતાની કરિયરની ૧૦૦મી ટેસ્ટ મેચ રમી રહ્યો તો એ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ક્રિકેટમાં મેદાનમાં આવું કરવાવાળો એકમાત્ર બેટ્સમેન છે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ, જેણે પોતાની ૧૦૦મી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. પોન્ટિંગ પોતાની ૧૦૦મી ટેસ્ટ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં પોન્ટિંગની સદી છતાં દક્ષિણ આફ્રિકાને ૯૨ રનની સરસાઈ મળી. ગ્રીમ સ્મિથે ટેસ્ટના અંતિમ દિવસે ૨૦ ઓવર્સ બાદ ઇનિંગ્સ ડિકલેર કરી દીધી અને ઓસ્ટ્રેલિયાની સામે ૭૦ ઓવર્સમાં ૨૮૭ રનનું લક્ષ્ય મૂક્યું. પોન્ટિંગે કેપ્ટન્સ ઇનિંગ્સ રમી અને એકલાએ જ ૧૪૩ રન ફટકારી દીધા અને અણનમ રહીને ટીમને જીત અપાવી દીધી. આમ, પોન્ટિંગે પોતાની ૧૦૦મી ટેસ્ટને યાદગાર બનાવી દીધી.

સદી સાથે ૧૦૦મી ટેસ્ટનો જશ્ન
પોન્ટિંગ ૧૦૦મી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનારો એકમાત્ર પ્લેયર છે તો એવા પણ ક્રિકેટર છે, જેઓએ પોતાની ૧૦૦મી ટેસ્ટનો જશ્ન સદીની સાથે મનાવ્યો છે. આ ખેલાડીઓ છે ઇન્ઝમાન ઉલ હક (૧૮૪ અને અણનમ ૩૧ રન), ગોર્ડન ગ્રિનિજ (૧૪૯ રન), જાવેદ મિયાદાદ (૧૪૫ રન), ગ્રીમ સ્મિથ (૧૩૧), એલેક સ્ટુઅર્ટ (૧૦૫) અને ક્રિસ ક્રાઉડી (૧૦૪ રન)

નામ બડે દર્શન છોટે
કેટલાક એવા ક્રિકેટર પણ છે, જેઓએ પોતાની કરિયર દરમિયાન મોટી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી હોય, પરંતુ તેઓ પોતાની ૧૦૦મી ટેસ્ટને યાદગાર બનાવવામાં નિષ્ફળ રહ્યા હોય. આવા ખેલાડીઓમાં ગ્રેહામ ગૂચ, એલન બોર્ડર, માર્ક વો, માહેલા જયવર્દને, સુનીલ ગાવસ્કર, મેથ્યુ હેડન અને શિવનારાયણ ચંદરપૌલ જેવા ક્રિકેટર સામેલ છે.
પોતાની ૧૦૦મી ટેસ્ટમાં સૌરવ ગાંગુલી (૪૩ અને ૪૦), ગ્રેહામ ગૂચ (૧૭ અને ૧૮), ડેવિડ ગ્રોવર (૧૩ અને ૨), મેથ્યુ હેડન (૨૪), માહેલા જયવર્દને (૧૧ અને ૨૨), માર્ક બાઉચર (૨ રન), માર્ક વો (૩૨), સુનીલ ગાવસ્કર (૪૮ અને ૩૭), શિવનારાયણ ચંદરપૌલ (૪), માઇકલ આર્થટન (૧ અને ૨૮), માઇકલ ક્લાર્ક (૨૪ અને ૨૩), સનથ જયસૂર્યા (૧૩), ક્લાઇવ લોઇડ (૨૦), ડેવિડ બૂન (૧૮ અને ૯), કેવિન પીટરસન (૧૮ અને ૨૬), વીરેન્દ્ર સેહવાગ (૩૦ અને ૯), સલીમ મલિક (૨ રન), ગેરી કર્સ્ટન (૧ અને ૧ રન) જ બનાવી શક્યા હતા.

You might also like