પ્લે ગ્રૂપને ટક્કર મારવા અમદાવાદની ૧૦૦ આંગણવાડી બની પ્લે હાઉસ

અમદાવાદ: અમદાવાદ શહેરની અંદાજે ૨૦૦૦થી વધુ આંગણવાડીઓ હવે ખાનગી સંસ્થાઓનાં પ્લે ગ્રૂપ કે પ્લે હાઉસને ટક્કર મારવા જઈ રહી છે. હાલમાં આ પ્રકારની ૧૦૦ જેટલી આંગણવાડીઓ પ્લે હાઉસ બની ચૂકી છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારો વેજલપુર, વસ્ત્રાપુર, બોડકદેવ, નવરંગપુરા અને પૂર્વ વિસ્તારના મણિનગર, નારોલ, ઓઢવ, નરોડાની આંગણવાડીઓનાં ભૂલકાંઓ ખાનગી પ્લે હાઉસ જેવું ભણતર મેળવી રહ્યાં છે. રાજયનાં તમામ બાળકો-ભૂલકાંઓનાે એક સમાન રીતે બૌદ્ધિક વિકાસ થાય તેના માટે ૧૨મી પંચવર્ષીય યોજના હેઠળ આંગણવાડીઓ પ્લે હાઉસ જેવી બનાવવામાં આવી રહી છે.

આ અંગે આંગણવાડીનો હવાલો સંભાળી રહેલા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણ સાથે જોડવા તેનાં રુચિ ઊભી કરવા અને તેને એક જ સ્થળે ટકાવી રાખવા પ્લે હાઉસનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. આંગણવાડીનાં ૩થી ૬ વર્ષ નાનાં બાળકોને રાજ્યભરમાં એક જ સમયે એક જ પ્રકારની પ્રવૃત્તિ કરાવાશે. સવારે ૧૦.૩૦થી બપોરે ૧.૩૦ દરમિયાન પ્રાર્થના, સફાઈ, પોષણક્ષમ નાસ્તો, ચિત્રકામ, માટીકામ, પ્રાણીઓની ઓળખ જેવી પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરી હાથ ધરાશે. તમામ સ્થળે એક જ પ્રકારની પ્રક્રિયા હાથ ધરાવાને કારણે બાળકો તેમજ આંગણવાડી વર્કસનું સીધું મોનિટરિંગ રાજ્ય સરકાર હસ્તક આવશે.

ઈન્દોર ખાતે લાઉનરમાં જ તમામ જિલ્લાઓના પ્રતિનિધિઓને આને લગતી માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવી હતી.કેટલીક આંગણવાડીઓમાં બાળકો આવતાં ન હોવાની ફરિયાદોને પગલે બાળકોને ખાનગી પ્લે હાઉસ જેવી જ સગવડો દ્વારા પ્રાથમિક શિક્ષણ માટે રુચિ કેળવાય તે હેતુથી હવે આંગણવાડીઓ હવે પ્લેહાઉસ જેવી બનાવાઈ રહી છે.

You might also like