તુર્કીમાં વિમાન રનવેથી લપસીને દરિયા તરફ દોડવા લાગતાં અફરાતફરી મચી

ઈસ્તંબુલ: તુર્કીમાં બનેલી એક ઘટનામાં પેગાસસ એર લાઈન્સનું એક વિમાન રનવે થી લપસીને એકાએક દરિયા તરફ દોડવા લાગતાં ભારે અફરાતફરીનો માહોલ મચી ગયો છે.જોકે આ ઘટનામાં રાહતએ વાતની રહી કે વિમાન દરિયામાં ગયું ન હતું અથવા તેમાં આગ લાગી ન હતી. જેના કારણે વિમાનમાં બેઠેલા ૧૬૮ લોકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના ટ્રેબજોન શહેરના કાળા સમુદ્ર નજીક બની હતી.

બોઈંગ-૭૩૭-૮૦૦ વિમાનમાં ૧૬૨ યાત્રિક સાથે બે પાઈલટ અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. અંકારાથી આ ફલાઈટ રાતે કાળ‍ા સમુદ્ર નજીક બનેલા રનવે પર ઊતરવાની હતી.પરંતુ વિમાન એકાએક સમુદ્ર તરફ દોડવા લાગ્યું હતું. ત્યારે વિમાન આગળની તરફ નમી ગયું હતું. જેના કારણે યાત્રિકો એક તરફ પડવા લાગ્યા હતા.

એક સમયે તો એવું લાગતું હતું કે વિમાનમાં આગ લાગશે. અથવા દરિયામાં પડી જશે. પરંતુ કાદવમાં આ વિમાન ફસાઈ જતા અટકી ગયું હતું. જેના કારણે વધુ દુર્ઘટના થતાં રહી ગઈ હતી. તેમજ કોઈ યાત્રિકને ઈજા થયાના અહેવાલ નથી. કેટલાક લોકો આ ઘટનાને ચમત્કાર સમાન ગણાવે છે.

એવુ કહેવામાં આવી રહ્યું છે કે એક ચકલીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે વિમાન ફસડાયું હતું ત્યારે તેની ગતિ પ્રતિ કલાક ૨૦૪ કિમી હતી. જોકે આ ઘટના બાદ યાત્રિકોને તરત જ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. કેટલાક યાત્રિકોનું કહેવું હતું કે વિમાનમાં ઈંધણની દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. જેના કારણે વિમાનમાં બ્લાસ્ટ થવાની શકયતા હતી. પરંતુ સદનસીબે તેમ નહિ થતાં યાત્રિકોએ રાહત અનુભવી હતી.

You might also like