આકાશમાં ઉડતું હતું વિમાન અને દરવાજો તૂટ્યો, દરવાજો પડ્યો કોઈના ધાબામાં, લોકો ટોળે વળ્યા

હૈદરાબાદના સિકંદરાબાદના લાલાપત વિસ્તારમાં લોકો ત્યારે ચોંકી ઊઠયા કે જ્યારે ઉપર ઊડી રહેલા એક વિમાનનો દરવાજો તૂટીને તેમની બાજુની બિલ્ડિંગના ધાબા પર પડયો. વાસ્તવમાં રપ૦૦ ફૂટની ઊંચાઇએ ઊડી રહેલા તેલંગણા રાજ્ય ઉડ્ડયન અકાદમીના વિમાનનો મેટલનો દરવાજો અચાનક તૂટીને એક ઇમારતની છત પર પડયો હતો.

આ દરમિયાન વિમાનની કોકપીટમાં બે પાઇલટ હતા. આ દુર્ઘટનામાં કોઇ ખુવારી થઇ હોવાના અહેવાલ નથી. વિમાનનો દરવાજો એક બે માળની ઇમારતન ખાલી ધાબા પર પડયો હતો. આ વિમાનનો દરવાજો તૂટી પડયો તે પહેલાં ધાબા પર એક પેઈન્ટર કામ કરી રહ્યો હતો જે દરવાજો ક્રેશ થયાના થોડી વાર પહેલાં જ લંચ માટે નીચે ગયો હતો.

નાગરિક ઉડ્ડયનના ડાયરેકટર જનરલે આ ઘટનામાં તપાસના આદેશ જારી કર્યા છે. આ બિલ્ડિંગમાં સ્થાનિક કોંગ્રેસી કાર્યકર ગણેશ યાદવ રહે છે અને ઘટના વખતે તેઓ બિલ્ડિંગમાં હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમણે ધાબા પર પ્રચંડ ધડાકા સાથે કંઇક પડયાનો અવાજ સાંભળ્યો ત્યારે આસપાસના લોકો બિલ્ડિંગના ધાબા પર દોડી ગયા હતા. ધાબા પર પાણીની ટાંકી પાસે ત્રણ ફૂટનો દરવાજો પડેલો હતો અને આજુબાજુ કેટલાક કાચના ટુકડા વેરાયેલા પડયા હતા. પડોશીઓએ જણાવ્યું હતું કે દરવાજો પડતાં આ નાનું વિમાન વિસ્તારની ઇમારત નજીક ખતરનાક રીતે હાલક ડોલક થતું ઊડી રહ્યું હતું.

You might also like