રૂ. પાંચ લાખ કરોડના ખર્ચે ૪૪ ઈકોનોમિક કોરિડોર બનાવવાનો મોદી સરકારનો પ્લાન

નવી દિલ્હી: માર્ગ પરિવહન મંત્રાલયે રૂ. પાંચ લાખ કરોડના ખર્ચે ૪૪ ઈકોનોમિક કોરિડોર બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનને ટૂંક સમયમાં કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી જશે. આ પ્લાન હેઠળ ૨૪,૦૦૦ કિ.મી.નો હાઈવે બનાવવામાં આવશે. આ ઉપરાંત સડકોની સાથે ફીડર રૂટ પણ બનાવવામાં આવશે. તેનો હેતુ માલ પરિવહનની ઝડપ વધારવાનો છે. મહત્ત્વનાં કોમર્શિયલ સેન્ટરની આસપાસ મલ્ટી મોડલ લોજેસ્ટિક હબ અને પાર્ક પણ બનાવવામાં આવશે. માર્ગ પરિવહન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી માટે મોકલ્યો છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે ૮૦ ટકા કામ સરકારી ફંડિંગ ધરાવતા એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્ટ્રક્શન (ઈપીસી) પ્રોજેક્ટનું હશે. બાકીના હાઈબ્રિડ એનયુટી મોડલ હેઠળ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલ અનુસાર કરવામાં આવશે. સરકાર આગામી પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પર સ્વયં રૂ. ચાર લાખ કરોડથી વધુ ખર્ચ કરશે. માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય બજેટ ફાળવણીથી અલગ ફંડ એકત્ર કરવા પર કામ કરી રહ્યું છે.

ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે એલઆઈસી, પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન અને બાકીના ઈન્સ્ટિટયૂટશનલ ઈન્વેસ્ટર્સ પાસેથી ફંડ એકત્ર કરીને મોટા હાઈવે પ્રોજેક્ટસ પર કામ કરી શકાય છે.

You might also like