‘ગરુડ પુરાણ’માં શ્રાદ્ધ-મહિમા

કુર્વીત સમયે શ્રાદ્ધં કુલે કશ્ચિન્ન સીદતિ ।
આયુઃ પુત્રાન્ યશઃ સ્વર્ગં કીર્તિં પુષ્ટિં બલં શ્રિયમ્ ।।
પશૂન્ સૌખ્યં ધનં ધાન્યં પ્રાપ્નુયાત્ પિતૃજનાત્ ।
દેવકાર્યાદપિ સદા પિતૃકાર્યં વિશિષ્યતે ।।
દેવતાભ્યઃ પિતૃણાં હિ પૂર્વમાપ્યાયનં શુભમ્ ।
સમયાનુસાર શ્રાદ્ધ કરવાથી કુળમાં કોઇ દુઃખી નથી રહેતું. પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, શ્રી, પશુ, સુખ અને ધન-ધાન્ય પ્રાપ્ત કરે છે. દેવકાર્યથી પણ પિતૃકાર્યનું વિશેષ મહત્ત્વ છે. દેવતાઓથી પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવા વધારે કલ્યાણકારી છે.(૧૦.૫૭-૫૯)
જે લોકો પોતાના પિતૃઓ, દેવો, બ્રાહ્મણ તથા અગ્નિની પૂજા કરે છે તેઓ સર્વે પ્રાણીઓનાં અંતરાત્મામાં સમાવિષ્ટ મારી જ પૂજા કરે છે. શક્તિ પ્રમાણે વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને મનુષ્ય બ્રહ્મપર્યંત સમસ્ત ચરાચર જગતને પ્રસન્ન કરી લે છે. હે આકાશચારી ગરુડ! મનુષ્યો દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી પર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિતૃઓ પિશાચ યોનિમાં ઉત્પન્ન થયા છે તેઓ સંતૃપ્ત થાય છે. શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલાં વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી પર પડે છે એનાથી વૃક્ષ યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓની સંતુષ્ટિ થાય છે. એ વખતે જે ગંધ તથા જળ ભૂમિ પર પડે છે એનાથી દેવત્વ યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે.
જે પિતૃઓ પોતાના કુળથી બહિષ્કૃત છે, ક્રિયાને યોગ્ય નથી, સંસ્કારહીન અને વિપન્ન છે એ બધા શ્રાદ્ધમાં વિકિરાન્ન અને માર્જનના જળનું ભક્ષણ કરે છે.
શ્રાદ્ધમાં ભોજન કરીને બ્રાહ્મણો દ્વારા આચમન અને જળપાન કરવા માટે જે જળ ગ્રહણ કરવામાં આવે છે એ જળથી એ પિતૃઓને સંતૃપ્તિ પ્રાપ્ત થાય છે. જેમને પિશાચ, કૃમિ અને કીટની યોનિ મળી છે તથાજે પિતૃઓને મનુષ્ય યોનિ પ્રાપ્ત થઇ છે એ બધા પૃથ્વી પર શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડોમાં વપરાયેલા અન્નની અભિલાષા કરે છે, એનાથી જ એમને સંતૃપ્તિ પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યો દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવતાં જે શુદ્ધ કે અશુદ્ધ અન્ન તથા જળ ફેંકવામાં આવે છે એનાથી, જેમણે અન્ય જાતિમાં જઇને જન્મ લીધો છે એમની તૃપ્તિ થાય છે. જે મનુષ્ય અન્યાયપૂર્વક અર્જિત કરેલા પદાર્થોથી શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી નીચ યોનિમાં જન્મ લેનારા ચાંડાળ પિતૃઓની તૃપ્તિ થાય છે.
હે પક્ષી! આ સંસારમાં શ્રાદ્ધના
નિમિત્તે જે કંઇ પણ અન્ન, ધન વગેરેનું દાન પોતાના બંધુ-બાંધવો દ્વારા આપવામાં આવે છે એ બધું પિતૃઓને પ્રાપ્ત થાય છે. અન્ન, જળ અને શાક-પાન વગેરે દ્વારા યથાશક્તિ જે શ્રાદ્ધ કરવામાં આવે એ બધું પિતૃઓની તૃપ્તિનું કારણ બને છે. •

You might also like