પિતૃદોષનું નિવારણ કારતકમાં ઉત્તમ

આજકાલ એક શબ્દ પિતૃદોષ બહુ સાંભળવામાં આવી રહ્યો છે. તમને કોઇ તકલીફ ઊભી થઇ હોય અને તેનું નિવારણ લાવવા માટે જો તમે કોઇ વિદ્વાન પંડિત પાસે જાવ અને તમે તેમને તમારી કુંડળી બતાવો તો તેઓ તમને એમ કહે કે તમારે પિતૃદોષ છે. પિતૃદોષ શબ્દ સાંભળતાં જ તમને પિતૃ દ્વારા થતી હેરાનગતિ દેખાય. જે માતાએ પુત્ર કે પુત્રીનો ગર્ભ પોતાના પેટમાં નવ નવ મહિના કર્યો હોય, જે પિતાએ પોતે ભૂખ્યા રહીને પોના બાળકને ઉત્તમ પ્રકારનાં સુખ પીરસ્યાં હોય તે પિતા કે માતાનાં પેટ ઠારવાની પુત્રની ફરજ છે. જો પુત્ર કે પુત્રી તેમને સંતોષ કે સન્માન ન આપી શકે તો શક્ય છે કે તે માતા કે પિતાનો જીવ તે સંતાનમાં રહી જાય. તે સંતાન પાછળ મનમાં એષણા, અપેક્ષા રાખીને મૃત્યુ પછી ભટકે છે. તેમનો અજંપો તેમને સુખી થવા દેતો નથી. કોઇ જ માતા પિતા તેમનાં સંતાનોને દુઃખી કરતાં નથી કે દુઃખી જોઇ શકતાં નથી. છતાં તેમનાં સંતાનો પ્રત્યેની અધૂરી અપેક્ષાથી તેમનાં સંતાન કે જે તે કુટુંબને પિતૃદોષ લાગે છે.
જેથી સંતાન કે કુટુંબ સુખી થતાં નથી. લગભગ દરેક ધર્મના મૂળમાં કહેવાતું હોય છે કે મા બાપને ભૂલશો નહીં. જો તમારે સુખી થવું હોય તો નીચેના ઉપાય અજમાવો અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવો.
• જરૂરી વસ્તુઃ
ચણાની દાળ ૫૦૦ ગ્રામ, નાળિયેર ૧, સફેદ કાપડ ૧ મીટર, કાળા તલ, ૫૦૦ ગ્રામ દૂધ, પાણી, કપૂર, તાંબાનો લોટો, ઘી, કોડિયું, રૂ, અગરબત્તી, પ્રસાદ માટે માવો.
• રીતઃ
તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં કપૂર તથા કાળા તલના થોડા દાણા પધરાવો. તે જળથી નીચેના મહામૃત્યુંજય મંત્રથી શિવલિંગ ઉપર અભિષેક કરો. (મંત્ર ૧૦૮ વખત બોલવો. અભિષેક સતત ચાલુ રાખવો.)
ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્
ઉર્વારુકમિવ બન્ધનાન્મૃર્ત્યોમાર્ક્ષિય માતૃતાત ।।
પછી પશ્ચિમાભુખ મુખ રાખી એક બાજોઠ સામે રાખો. તેના ઉપર સફેદ કાપડ પાથરો. તેના ઉપર ચણાની દાળ પાથરો. તેમાં શ્રીફળ મૂકી, તેને અબીલ, ગુલાલ, સિંદૂર, કંકુથી વધાવો. ફૂલ ચડાવો. ધૂપ, દીપ કરો. તે પછી તે સ્થાપનમાંથી કોઇ વસ્તુ ગબડી ન જાય તેનું ધ્યાન રાખી બાજોઠ આખા ઘરના દરેક ખૂણે ફેરવો. તે પછી સ્થાપન યથાસ્થાને રાખો. તે પછી આસન ઉપર બેસી મનોમન સંકલ્પ કરો. ‘હે પિતૃદેવ, આપના તથા આપણા કુટુંબના પિતૃઓના મોક્ષ માટે હું યથાશક્તિ વિધિ કરું છું. આપ કૃપા કરી પ્રસન્ન થાવ. અમારી ભૂલચૂક માફ કરો. આપણા કુટુંબ ઉપર આવતી આપત્તિનો નાશ કરો. પિતૃદોષની છાયા દૂર કરો. ઘરમાં સુખ શાંતિ તથા લક્ષ્મી અને ઐશ્વર્ય આપો.’ તે પછી માવાનો પ્રસાદ ધરાવો. શક્ય હોય તો ઘરના દરેક ખૂણામાં ઘીના દીવા કરો. ત્યાર બાદ નીચેના મંત્રના ૧૧ દિવસ સુધી ૨૧૦૦ જાપ કરો.
મંત્રઃ
ૐ શ્રી સર્વ પિતૃદોષ નિવારણાય કલેશ
હનન હનન, સુખ શાંતિ ઐશ્વર્ય દેહિ દેહિ ફટ સ્વાહા ।।
પછી સ્થાપન આગળ મૂકેલો પ્રસાદ પિતૃદેવને અર્પણ કરી આરતી કરી પ્રસાદ ઘરના દરેક સભ્યે લેવો. ૧૧ દિવસે જ્યારે ઉપરના જાપ પૂર્ણ થાય ત્યારે આ સ્થાપનનું પોટલું વાળી પવિત્ર જીવન જીવતા ભૂદેવને તે આપી દેવું. ભૂદેવને દક્ષિણા આપી જમાડવા. આમ કરવાથી કૃદ્ધ થયેલા પિતૃ કુટુંબઉપર શાંતિ વરસાવે છે.
• નોંધઃ આ પ્રયોગ કારતક વદમાં કરવો. (કોઇ પણ દિવસે). માગશર કે ભાદરવામાં પણ કરી શકાય.
• વિશેષ નોંધઃ માતા, પિતા,
નાગ, સૂર્ય, ઇષ્ટદેવ આ પાંચ પિતૃસ્વરૂપ છે. તેમનું હંમેશાં પૂજન અર્ચન કરો. સુખી થવા આ ઉત્તમ પ્રયોગ છે. •

You might also like