પિસ્તોલનું ટ્રિગર દબાવ્યું, મેગઝિન નીકળી ગયું તો છરીના ઘા માર્યા!

અમદાવાદ: દસ વર્ષ પહેલાં દૂધેશ્વર અને શાહપુર વિસ્તારમાં ધાક જમાવવા માટે જે વ્યક્તિની હત્યા કરાઇ હતી તેના જ નાનાભાઇને બે ભાઈઅોઅે તે ગઇ કાલે રાત્રે શાહપુર દરવાજા બહાર પિસ્તોલ વડે મારી નાખવાની કોશિશ કરી હતી. જોકે કારતૂસ ભરવામાં અાવે છે તે પિસ્તોલનું મેગઝિન નીકળી જતાં યુવકનો બચાવ થયો હતો. જોકે ફાયરિંગ ન કરી શકાતાં આરોપીએ યુવકને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના બાદ બે આરોપી ફરાર થઇ ગયા હતા. માધવપુરા પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ શાહપુર દરવાજા બહાર આવેલી સારજીભાઇની ચાલીમાં મનીષ પૂનમભાઇ પાનસર રહે છે. ગઇ કાલે મોડી રાતે ૧ર.૩૦ની આસપાસ મનીષ, ઘીકાંટા વિસ્તારમાં નોકરી કરતા અને દૂધેશ્વર વિસ્તારમાં રહેતા તેમના મિત્ર લિયાકત અહેમદભાઇ સંધી અને અન્ય મિત્રો શાહપુર દરવાજા બહાર રાહત સર્કલ નજીકના કલ્પના પાન સેન્ટર ખાતે ઊભા હતા.

દરમ્યાનમાં દૂધેશ્વર વા‌િટકા ફલેટ ખાતે રહેતો નામચીન ગુનેગાર સંજય ઉર્ફે ચીકુ ચંદ્રપાલ યાદવ અને તેનો ભાઇ વિકી યાદવ રિક્ષામાં ત્યાં આવ્યા હતા. સંજયે તેઓ પાસે આવી લિયાકત સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી હતી અને તેની પાસે રહેલી પિસ્તોલથી ફાયરિંગ કરવા જતો હતો, પરંતુ મેગઝિન અને કારતૂસ નીકળી ગયાં હતાં. મેગઝિન નીકળી જતાં ફાયરિંગ ન થયું અને સંજય છરો લઇને આવ્યો હતો. સંજયે લિયાકતના પેટમાં છરો ઘુસાડી ગંભીર ઇજાઓ પહોંચાડી રિક્ષામાં બેસી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત લિયાકતને સારવાર અર્થે વાડીલાલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં માધવપુરા પોલીસ તાત્કા‌િલક ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

લિયાકતના મિત્રના જણાવ્યા મુજબ સંજયે દસ વર્ષ અગાઉ લિયાકતના ભાઇની હત્યા કરી હતી અને વારંવાર લિયાકતને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. અવારનવાર બંને વચ્ચે બોલાચાલી પણ થતી હતી. લિયાકત તેનાથી ડરીને રહેતો હતો. ગઇ કાલે સંજય તેના ભાઇ સાથે લિયાકત પર ફાયરિંગ કરી તેની હત્યા કરવા આવ્યો હતો, પરંતુ સદ્નસીબે પિસ્તોલનું મેગઝિન નીકળી જતાં લિયાકતનો જીવ બચી ગયો હતો.

આરોપી સંજય અને તેનો ભાઇ નામચીન ગુનેગાર છે તેના વિરુદ્ધમાં અનેક ગુનાઓ નોંધાયા છે. હત્યા, ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં તેની સંડોવણી બહાર આવી છે. અવારનવાર તેઓ તેમના વિસ્તારમાં ડરાવી ધમકાવી લોકોમાં ધાક ઊભી કરતા હોવા છતાં પોલીસ આવા ગુનેગારો સામે કોઇ કડક કાર્યવાહી કરતી નથી. જેના કારણે ગઇકાલે એક યુવક તેની જિંદગી ગુમાવી બેઠો હોત. હાલ મનીષની ફરિયાદને આધારે પોલીસે સંજય અને તેના ભાઇ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like