પીરાણાના કચરાના પહાડ પર ફરી આગ ભભૂકી ઊઠી

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલા પીરાણા ડમ્પિંગ સાઈટ ઉપર આજે વહેલી સવારે આગ લાગી હતી. કેમિકલયુક્ત અને સૂકા કચરામાં આગ તરત જ ફેલાઈ જતાં ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની સાત ગાડીઓએ ૨૫ લાખ લિટરથી વધુ પાણીનો નારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ડમ્પિંગ સાઈટ પર અઠવાડિયામાં બીજી વખત આગની ઘટના બનવા પામી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રોનાં જણાવ્યા મુજબ આજે વહેલી સવારે પાંચ વાગ્યે ફાયર કંટ્રોલને મેસેજ મળ્યો હતો કે નારોલ રોડ પર પીરાણા ડમ્પિંગ સાઈટના કચરામાં આગ લાગી છે. જેથી ચાર જેટલા ફાયર ફાયટરને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરાયાં હતાં.  પીરાણાની સાઈટ પર સૂકો કચરો તેમજ કેમિકલ વાળો કચરો હોય છે. જેથી આગ વારંવાર લાગે છે. કચરામાં આગને કારણે આગ વધુ િવકરાળ બની હતી. બે ફાયર ફાઈટરને બોલાવી ૨૫ લાખ લિટર જેટલા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પાંચેક કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી.

અઠવાડિયામાં આ બીજી વખત પીરાણા ડમ્પિંગ સાઈટ પર આગ લાગી હતી. શનિવારે બપોરે પણ કચરામાં આગ લાગતાં ચારેક જેટલા ફાયરફાઈટરે આગને કાબૂમાં લીધી હતી. વારંવાર આ રીતે કચરામાં આગની ઘટના બને છે. પરંતુ તંત્ર આગને ખાળવા કોઈ પગલાં લેતું નથી.

You might also like