૧૮ કલાક પછી પણ ચિરિપાલ ઇન્ડસ્ટ્રીઝમાં અાગ ભભૂકી રહી હતી

અમદાવાદ: શહેરના વટવા પીરાણા રોડ પર આવેલી ચિરિપાલ ઇન્ડસ્ટ્રીઝમાં ગત સાંજે લાગેલી આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. હજુ પણ ૧૩ જેટલાં ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન થઇ રહ્યો હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. આગ સાંજ સુધીમાં કાબૂમાં આવે તેવી શકયતાઓ જણાઇ રહી છે.

ફાયર બ્રિગેડને ગત સાંજે મેસેજ મળ્યો હતો કે વટવા પીરાણા રોડ પર આવેલી ચિરિપાલ કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. જેના પગલે પ્રથમ ૧૦ જેટલાં ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં, પરંતુ આગ વધુ હોવાથી વધુ ૧૩ ફાયરની ગાડીઓને રવાના કરાઇ હતી. ફાયર બ્રિગેડના ઓફિસરો અને ૧૦૦ જેટલા ફાયરના જવાનો દ્વારા ગત સાંજથી જ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરાયા હતા.

કંપનીના તમામ વિભાગમાં આગ પ્રસરી ચૂકી છે અને આગ ગોડાઉનમાં પણ લાગતાં માલસામાન બળીને ખાક થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ગત સાંજથી લાગેલી આગ હજુ સધી કાબૂમાં આવી નથી. હાલ પણ ત્રણ ફાઇટર, સાત ટેન્કર, ત્રણ ગજરાજ અને ૪૦થી પ૦ ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આગ લાગતાં જ તમામ કર્મચારીઓ ફેકટરીની બહાર નીકળી ગયા હતા. અા લખાઈ રહ્યું છે ત્યારે અાગ હજુ સુધી કાબૂમાં અાવી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ફેકટરીમાં ધુમાડો બહાર નીકળી શકે તેવી કોઇ વ્યવસ્થા નથી. જેના કારણે આગ પર જલદી કાબૂ મેળવાઇ રહ્યો નથી. આ ઉપરાંત ફાયર સેફટીના પણ કોઇ સાધનો ન હોઇ છાશવારે આવી આગની ઘટના ચિરિપાલ કંપનીમાં બનતી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

You might also like