ડોમેસ્ટિક ક્રિકેટમાં ફેરફારઃ પિન્ક બોલ અને ડે-નાઇટ મેચ રમાશે

બેંગલુરુઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની અધ્યક્ષતાવાળી બીસીસીઆઇની ટેકનિકલ કમિટીએ નવી સિઝનમાં રમાનાર રણજી ટ્રોફી અને ત્યાર બાદ યોજાનાર દુલિપ ટ્રોફીને લઈને મોટા ફેરફાર કર્યા છે. બેઠકમાં બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કે પણ હાજર હતા. બીસીસીઆઇની જાહેરાત અનુસાર સમિતિએ ૨૦૧૬-૧૭ની સિઝન માટે દુલિપ ટ્રોફીના ફોર્મેટ પર ચર્ચા કરી હતી. એવી ભલામણ કરવામાં આવી હતી કે પસંદગીકારો રાઉન્ડ રોબિન ફોર્મેટની ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ચાર ટીમ પસંદ કરશે. સમગ્ર ટૂર્નામેન્ટ ડે-નાઇટ હશે, જ્યારે રણજી ટ્રોફીની મેચ તટસ્થ સ્થળો પર યોજવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલુ મેદાન પર લગભગ ૧૩ ટેસ્ટ મેચ રમવાની છે ત્યારે અનુરાગ ઠાકુરે પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે ટેસ્ટના બધા સંભવિત અને યુવાન ખેલાડીઓને ગુલાબી બોલથી રમવાની તક અપાશે.

ટેકનિકલ કમિટીના એક સભ્યએ કહ્યું કે અધ્યક્ષને લાગે છે કે ચેલેન્જર ટ્રોફીની જેમ આ સિઝનની દુલિપ ટ્રોફીમાં બધા મોટા ખેલાડીઓ અને ટેસ્ટ સંભવિત ખેલાડીઓને રાત્રી પ્રકાશમાં ગુલાબી બોલથી રમવાની તક મળે. આથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે કોઈ ક્ષેત્રીય પ્રણાલી નહીં હોય.
એવું જાણવા મળી રહ્યું છે કે સૌરવ ગાંગુલીએ દુલિપ ટ્રોફીમાં વિદેશી ટીમને રમાડવાનું સૂચન કર્યું, પરંતુ એ અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો. સૂત્રએ જણાવ્યું કે ગાંગુલીના પ્રસ્તાવ પર વિચારણા કરાઈ, પરંતુ ત્યાર બાદ અમને લાગ્યું, માની લો કે ઓસ્ટ્રેલિયાની પ્રથમ શ્રેણીની ટીમને અહીં બોલાવીએ અને તે નોકઆઉટ ફોર્મેટમાં પહેલા રાઉન્ડમાં હારી જાય તો એ ટીમને બોલાવવાનો ઉદ્દેશ પૂર્ણ નહીં થાય.

બધી મેચ કૂકાબૂરા બોલથી રમાશે, પરંતુ ડે-નાઇટ મેચ માટે ગુલાબી બોલ તૈયાર કરવા માટે અન્ય કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે રણજી ટ્રોફીની મેચ તટસ્થ સ્થળે રમાશે.

ડોમેસ્ટિક ક્રિકેટને વધુ સ્પર્ધાત્મક બનાવવા અને ઘરેલુ ટીમો માટે ખાસ વિકેટ તૈયાર કરવા સાથે જોડાયેલા મુદ્દાને ખતમ કરવા તથા ખેલાડીઓને અલગ અલગ પરિસ્થિતિમાં રમાડવાની કવાયતના ભાગરૂપે બીસીસીઆઇની ટેકનિકલ કમિટીએ રણજી ટ્રોફીની મેચ તટસ્થ સ્થળે યોજવાની ભલામણ કરી છે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે કેટલાક સભ્યો ટોસ નહીં કરાવવાની નવી પ્રણાલી અજમાવવા ઇચ્છતા હતા, જેનો હાલ ઇંગ્લિશ કાઉન્ટી સિઝનમાં ઉપયોગ કરાઈ રહ્યો છે. આ પ્રણાલી અંતર્ગત મહેમાન ટીમને પહેલી બેટિંગ અથવા બોલિંગ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે, જોકે આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો.

You might also like